સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે અલનીનોની ભયંકર અસરોના કારણે વરસાદની ભારે અછત સર્જાઈ છે. જેથી ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે ભારે ચિંતામાં મુકાયા છે. જેની પાસે ભૂગર્ભજળ, બોર કે કૂવાની સગવડ છે તેઓ કોઈપણ ભોગે પોતાનો પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી માત્ર વાદળછાયું વાતાવરણ જ રહે છે, પરંતુ વરસાદ વરસતો નથી. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ધોરાજી-ઉપલેટા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી તાત્કાલિક રજૂઆત કરી છે.
લલિત વસોયાએ પત્રમાં જણાવ્યું છે કે, વર્તમાન સમયમાં વિજ્ઞાન-ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ પ્રગતિ થઈ છે અને ગુજરાત આર્થિક રીતે પણ સક્ષમ રાજ્ય છે. ભૂતકાળમાં સરકાર દ્વારા કૃત્રિમ વરસાદ વરસાવવાના સફળ પ્રયત્નો કરાયા હતા. હાલમાં વાદળછાયું વાતાવરણ હોવાથી જો સરકાર તાત્કાલિક ધોરણે કૃત્રિમ વરસાદ માટેનો પ્રયોગ હાથ ધરે તો વરસાદ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. આથી ખેડૂતોના પાકને ઉગારી લેવા માટે સરકારે ત્વરિત પગલાં ભરીને કૃત્રિમ વરસાદ અંગે યોગ્ય નિર્ણય લેવો જોઈએ.