વિદેશી ફંડના શંકાસ્પદ રોકાણ મામલે રાજકોટમાં આવકવેરાના દરોડા

વિદેશી ફંડના શંકાસ્પદ રોકાણ મામલે રાજકોટમાં આવકવેરા વિભાગે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જે અંતર્ગત દિલ્હી તેમજ ગુજરાતના રાજકોટ, મોરબી અને ગાંધીધામ જેવા મહત્વના શહેરોમાં તપાસ ચાલી રહી છે. ખાસ કરીને રાજકોટમાં આઈટી વિભાગની ટીમોએ 10 જેટલા સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા છે, જેને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે ભય અને ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

આ દરોડામાં 60થી વધુ ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. શંકાસ્પદ વિદેશી ફંડ, વિદેશી રોકાણ અને મની લોન્ડરિંગની તપાસ તેમજ કરોડોની ટેક્સ ચોરીની હેરફેર કરનારાઓ પર ITના દરોડા પાડવામાં આવ્યા છે. જોકે આવકવેરા વિભાગ તરફથી કોઈ સમર્થન આપવામાં આવ્યું નથી.

બે કંપની પર મોટી કાર્યવાહી મોરબી અને રાજકોટના એકમો પર સંયુક્ત રેડમાં બે લીમીટેડ કંપની પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કંપનીઓ મોરબીમાં ટાઇલ્સના ઉત્પાદન માટેની મશીનરી અને ડાય ઉત્પાદનના વ્યવસાય સાથે જોડાયેલી છે, જ્યારે તેમનું અન્ય એક યુનિટ ગ્રાફિક પ્રિન્ટિંગનું કામ કરે છે.

પ્રખ્યાત રિસોર્ટ એન્ડ ક્લબની કંપનીમાં કરોડો બિનહિસાબી વ્યવહારો કાલાવડ રોડ પરના પ્રખ્યાત રિસોર્ટ એન્ડ ક્લબ ધરાવતા કંપનીમાં પણ વહેલી સવારથી આવકવેરા વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં બિનહિસાબી વ્યવહારો અને કરોડો રૂપિયાની રોકડ રકમ સામે આવી હોવાના અહેવાલો છે.

મોટા પાયે GSTની પણ ચોરી થયાની શંકા આવકવેરા ચોરીની સાથે સાથે આ કંપનીઓમાં મોટા પાયે ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (GST)ની પણ ચોરી થઈ હોવાની શંકાને આધારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ દ્વારા પણ આ મામલે સમાંતર તપાસ પૂર્ણ થઈ ગઈ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. આ વિસ્તૃત તપાસના અંતે અધિકારીઓને ત્યાંથી કોઈ ખાસ વાંધાજનક કે શંકાસ્પદ વ્યવહારો મળ્યા નથી.

ડિજિટલ ડેટાની ચકાસણી હજુ પણ ચાલુ મોરબી અને રાજકોટમાં સિરામિક મશીનરી અને ડાય ઉત્પાદન સાથે જોડાયેલી પેઢીઓના નાણાકીય દસ્તાવેજો અને ડિજિટલ ડેટાની ચકાસણી હજુ પણ ચાલી રહી છે, જેમાં કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો પકડાયા હોવાની આશંકા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *