રાજકોટમાં બે જુદી જુદી દુઃખદ ઘટનાઓ સામે આવી છે, જેમાં મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા આંધ્રપ્રદેશના એક વિદ્યાર્થીનું અચાનક હાર્ટએટેકથી મોત નિપજ્યું છે. બીજી તરફ, પોલીસે ડિટેઈન કરેલી ઓટો રિક્ષા છોડાવવા માટે ₹22,000નો ભારે દંડ આવતા આર્થિક તંગીથી કંટાળીને રિક્ષા ચાલકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે.
આંધ્રપ્રદેશના વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત રાજકોટમાં આજે સતત બીજા દિવસે હાર્ટ એટેકથી યુવકનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મુળ આંધપ્રદેશના વતની અને હાલ મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહી એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતા લોહીત નીલચુ (ઉ.વ.20) નામનો યુવાન રાત્રીના જમીને હોસ્ટેલમાં સુવા ગયો હતો. દરમિયાન તેને ગભરામણ અને છાતીમાં દુ:ખાવો ઉપડતા તેને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયાં ફરજ પરના તબીબે જોઇ તપાસી લોહીતનું હાર્ટ એટેકથી મોત થયાનું જણાવ્યું હતું. બનાવ અંગે કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી હાથ ધરી મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
રિક્ષા ચાલકે આપઘાતનો પ્રયાસ કર્યો રાજકોટના કોઠારિયા રોડ પર આવેલ આનંદ નગર કોલોનીમાં રહેતા સિધ્ધાર્થપરી ગોસ્વામી સાંજના 4.30 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતો ત્યારે ઝેરી ટીકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે ભક્તિનગર પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતનો પ્રયાસ કરનાર યુવકનુ નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સિધ્ધાર્થપરી બે ભાઇ ત્રણ બહેનમાં નાનો હોવાનું અને તેને સંતાનમાં બે દીકરા હોવાનું સામે આવ્યું છે. પોતે રિક્ષા ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવે છે.