સૌરાષ્ટ્રના લોકપ્રિય તહેવાર જન્માષ્ટમી પૂર્વે રાજકોટમાં ખાનગી મેળાઓના આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જોકે, TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી SOPને પગલે આ વખતે ખાનગી મેળાઓના આયોજકો માટે નિયમો અત્યંત કડક બનાવવામાં આવ્યા છે. પોલીસ કમિશનર દ્વારા રચાયેલી 13 સભ્યોની સિટી રાઇડ્સ સેફ્ટી અને ઇન્સ્પેક્શન કમિટીની ગ્રાઉન્ડ ચકાસણી અને સકારાત્મક અભિપ્રાય વગર કોઈપણ સંચાલકને પરવાનગી આપવામાં આવશે નહીં. હાલ તૈયારીઓ વચ્ચે શહેરના એક પણ ખાનગી મેળાને સત્તાવાર મંજૂરી મળી નથી.
રાજકોટમાં સામાન્ય રીતે શ્રાવણ માસ દરમિયાન સાતમ-આઠમના તહેવારો નિમિત્તે સરકારી લોકમેળાની સાથે-સાથે ખાનગી મેળાઓ પણ લગભગ એક મહિના સુધી ધમધમતા હોય છે. ગત વર્ષે શહેરમાં 5 ખાનગી મેળા યોજાયા હતા અને આ વર્ષે પણ 5 જેટલા મેળાઓના આયોજન માટે સંચાલકો દ્વારા અરજી પ્રક્રિયા હાથ ધરાઈ છે. આયોજકો આવતા સપ્તાહ સુધીમાં મેળા ખુલ્લા મૂકવાની ગણતરી રાખી રહ્યા છે પરંતુ, કાયદેસર લાયસન્સ મેળવ્યા બાદ જ દરવાજા ખોલી શકાશે.