નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ-ડીઝલ અને CNG નહીં

રાજકોટ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં વાહન માલિકો દ્વારા રજીસ્ટ્રેશન નંબર પ્લેટ કાઢી નાખી, ભુસી નાખી કે ચેડાં કરીને વાહન ચલાવવા પર રોક લગાવવા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પોલીસ કમિશનર દ્વારા ‘નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં’ના સૂત્ર સાથે કડક જાહેરનામું બહાર પાડ્યું છે. જોકે, ગુજરાતમાં આ પ્રકારનો નિર્ણય લેવાનાર રાજકોટ પ્રથમ શહેર બન્યું છે.

આ હુકમ મુજબ રાજકોટ શહેરના તમામ પેટ્રોલ, ડીઝલ અને સીએનજી પંપ સંચાલકો તથા કર્મચારીઓને સ્પષ્ટ અને માન્ય નંબર પ્લેટ વગરના કોઈ પણ વાહનમાં ઈંધણ પૂરવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. નિયમોનો ભંગ કરનાર સામે ફરિયાદ કરાશે. આ જાહેરનામું તા. 17 ઓગસ્ટ, 2026થી 16 ઓક્ટોબર, 2026 (60 દિવસ) સુધી અમલમાં રહેશે.

પોલીસ કમિશનરે આ કારણથી લગાવ્યો પ્રતિબંધ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, સીસીટીવીથી મળતા ઈ-ચલણથી બચવા નંબર પ્લેટ કાઢી નાખે છે અથવા તેની સાથે ચેડાં કરવામાં આવે છે. જેના પરિણામે બેફામ અને ગફલતભર્યું ડ્રાઇવિંગ, સિગ્નલ ભંગ અને મોટર વ્હીકલની જોગવાઈના ઉલ્લંઘનને પ્રોત્સાહન મળે છે.

HSRP રજીસ્ટ્રેશન નંબર વિનાના વાહનો જાહેર વ્યવસ્થા, સલામતી તથા રાષ્ટ્રીય સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું કરે છે. કારણ કે, ઓળખ વગરના આવા વાહનોનો ઉપયોગ હીટ એન્ડ રન અકસ્માતો, ચેઇન સ્નેચિંગ, લૂંટ, ધાડ તથા ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવતો હોવાનું ધ્યાને આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *