રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ ઝાલા દ્વારા રાજકોટના હિરાસર એરપોર્ટ પાસે ખરીદવામાં આવેલી 17 વીઘા જમીન અંગે ઊભો થયેલો કાનૂની વિવાદ કલેક્ટર કોર્ટમાં પહોંચ્યો હતો. જમીનના સીધી લીટીના વારસદારે મામાઓ સામે નામ છુપાવીને જમીન વેચી નાખ્યાનો આરોપ લગાવી અપીલ દાખલ કરી હતી. જોકે, રાજકોટ કલેક્ટરે આ મામલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે વેચાણ દસ્તાવેજ રદ કરવા કે વારસાઈ હક્ક નક્કી કરવાની સત્તા સિવિલ કોર્ટની છે, મહેસૂલી કોર્ટની નહીં. કલેક્ટરે મદદનીશ કલેક્ટરના હુકમને કાયમ રાખી રિવિઝન અરજી ફગાવી દીધી છે.
2023માં રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી ખરીદવામાં આવી હતી જમીન કેસની વિગતો અનુસાર, હિરાસર ગામના જૂની શરતના રેવન્યુ સર્વે નંબર 34ની 2.25 હેક્ટર (આશરે 17 વીઘા) જમીન મામદભાઈ સલેમાનભાઈ ચલાંગા સહિતના સંયુક્ત ખાતેદારોના નામે ચાલતી હતી. ફેબ્રુઆરી 2023માં આ જમીન રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ દિગ્વિજયસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા અને દશરથસિંહ સજનસિંહ જાડેજા સહિતના ત્રણ ખરીદદારોએ ખરીદી હતી, જેની વેચાણ નોંધ નંબર 373 પણ મંજૂર થઈ ગઈ હતી.
સ્વ. સલમાબેન હારૂનભાઈના વારસદાર રેશ્માબેન હનીફ વરોધ દ્વારા મદદનીશ કલેક્ટર અને ત્યારબાદ કલેક્ટરમાં રિવિઝન અરજી દાખલ કરીને આક્ષેપ કરાયો હતો કે, વર્ષ 2021માં તેમના મામાઓએ વારસાઈ નોંધ નંબર 356 ચડાવતી વખતે તેમની માતા સલમાબેનનું નામ જાણીજોઈને છુપાવી દીધું હતું. તેમની કોઈ સંમતિ કે નોટિસ આપ્યા વગર જ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો. આ સામે સાંસદના વકીલે દલીલ કરી હતી કે, અપીલ દાખલ કરવામાં આશરે 4 વર્ષનો વિલંબ થયો છે, જેનો કોઈ યોગ્ય ખુલાસો આપવામાં આવ્યો નથી.