સાઉથ સુપરસ્ટાર અને તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય હાલમાં તેમના પોલિટિકલ કરિયર કરતાં પણ અંગત જીવનને લઈને વધારે ચર્ચામાં છે. તેવામાં તેમના ચર્ચિત છૂટાછેડાના કેસમાં એક મોટો વળાંક આવ્યો છે. થલાપતિ વિજયની પત્ની સંગીતા સ્વર્ણલિંગમે છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે. ફેબ્રુઆરી 2026માં સંગીતાએ સુપરસ્ટાર પર લગ્નેત્તર સંબંધનો ગંભીર આરોપ લગાવીને છૂટાછેડાની અરજી કરી, ત્યારથી વિજયનું સાઉથ એક્ટ્રેસ ત્રિશા કૃષ્ણન સાથે અફેર ચાલતું હોવાની ચર્ચાઓએ વેગ પકડી હતી.
વાસ્તવમાં 7 ઓગસ્ટને શુક્રવારે થલાપતિ વિજયની પત્ની સંગીતા વીડિયો કોન્ફરન્સ મારફત ચેંગલપટ્ટુ ફેમિલી કોર્ટના જજ સુજાતા સમક્ષ હાજર થઈ હતી. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, સંગીતાએ કોર્ટને છૂટાછેડાની અરજી પાછી ખેંચવાની પોતાની ઇચ્છા વિશે જણાવ્યું. જજે અરજી પાછી ખેંચવાની મંજૂરી આપવા અને કેસને સત્તાવાર રીતે બંધ કરતા પહેલાં લગભગ 15 મિનિટ સુધી સંગીતાની પૂછપરછ કરી હતી.
સંગીતા સ્વર્ણલિંગમે ફેબ્રુઆરી 2026માં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. 25 વર્ષના લગ્નજીવન પછી સંગીતાએ ફેમિલી કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં ગંભીર આરોપ લગાવ્યો હતો કે, વિજયનું એક એક્ટ્રેસ સાથે લગ્નેતર સંબંધમાં હોવું તેમના સંબંધો તૂટવાનું મુખ્ય કારણ છે. આ સંબંધ એપ્રિલ 2021થી ચાલી રહ્યો હતો, જેના કારણે સંગીતાને ભાવનાત્મક રીતે ઊંડો આઘાત લાગ્યો અને તે તેના માટે માનસિક પીડાનું કારણ બન્યો.
આ છૂટાછેડાની અરજીમાં એ પણ લખવામાં આવ્યું હતું કે, સંગીતા અને વિજય વચ્ચેના વૈવાહિક સંબંધો વર્ષો પહેલા ખૂબ જ શાંતિપૂર્ણ અને સુમેળભર્યા હતા, પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિઓ બગડતી ગઈ. અરજીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, લગ્ન સમયે બધું સામાન્ય હતું, પરંતુ પતિના કથિત બીજા સંબંધ વિશે જાણ થયા પછી બધું બદલાઈ ગયું. જ્યારે સંગીતાએ પહેલીવાર આ વિશે વાત કરી, વિજયે ખાતરી આપી કે તે સંબંધ પૂરો કરી દેશે, પરંતુ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, તે સંબંધ ચાલુ રહ્યો અને પરિસ્થિતિ વધુ ખરાબ થતી ગઈ.