પીએમ મોદી શનિવારે સવારે 11 વાગ્યે IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. દીક્ષાંત સમારોહમાં 3,000થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. આમાં 587 પીએચડી કરી રહેલા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત, પીએમ મોદી IIT દિલ્હીના સોનીપત કેમ્પસમાં સ્થાપિત ‘પરમ પ્રજ્ઞા’ નામના AI આધારિત હાઈ-પર્ફોર્મન્સ સુપરકમ્પ્યુટરનું પણ ઉદ્ઘાટન કરશે.
આ સુપરકમ્પ્યુટરથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડેટા સાયન્સ, એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ અને રિસર્ચમાં મદદ મળશે.
પરમ પ્રજ્ઞા એ IIT દિલ્હીના સોનીપત કેમ્પસમાં સ્થાપિત એક AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત હાઈ-પર્ફોર્મન્સ સુપરકમ્પ્યુટર (HPC) છે. તેનો ઉદ્દેશ્ય ઝડપી ગતિએ જટિલ ગણતરીઓ કરવી અને સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે.
ભારતમાં અત્યાર સુધીમાં કુલ 37 સુપરકમ્પ્યુટર સ્થાપિત કરવામાં આવ્યા છે
ભારતમાં નેશનલ સુપરકમ્પ્યુટિંગ મિશન (NSM) હેઠળ અત્યાર સુધીમાં 37 સુપરકમ્પ્યુટર સ્થાપિત કરવામાં આવ્યા છે અને તે બધા કાર્યરત છે.
આ સુપરકમ્પ્યુટર્સ દેશના મુખ્ય IIT, IISc, NIT, C-DAC, IISER અને અન્ય સંશોધન સંસ્થાઓમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.
આમાં પરમ સિદ્ધિ (પુણે), પરમ પ્રવેગ (IISc બેંગલુરુ), પરમ શક્તિ (IIT ખડગપુર), પરમ સંગણક (IIT કાનપુર), પરમ સેવા (IIT હૈદરાબાદ), પરમ રુદ્ર (નવી દિલ્હી, મુંબઈ અને ચેન્નઈ), પરમ બ્રહ્મા (પુણે), પરમ યુક્તિ (બેંગલુરુ) અને પરમ શિવાય (IIT-BHU, વારાણસી) જેવા મુખ્ય સુપરકમ્પ્યુટર્સનો સમાવેશ થાય છે.