ગોંડલ તાલુકા સેવા સદન ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોરબંદરના અબ્દુલ સતાર હામદાણી (ઉર્ફે સતાર મૌલાના) સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ગોંડલના નાગાણી હનીફબાપુ ગુલામમીયા અને નાગાણી નાઝીમબાપુ હનીફમીયા સહિત સૈયદ સમાજ અને સુન્ની સમાજના આગેવાનો દ્વારા રજૂ કરાયેલા આવેદનમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સતાર મૌલાનાએ પોતાના ભાષણ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવી ટિપ્પણીઓ કરી, સાંપ્રદાયિક સોહાર્દ બગાડવાનો પ્રયાસ કર્યો તેમજ પોલીસ અને સરકાર અંગે અશોભનીય નિવેદનો આપ્યા હતા.
આવેદનપત્ર મુજબ, 20 જુલાઈ, 2026ના રોજ પોરબંદરમાં મેમણ જમાતની જાહેર તકરીર દરમિયાન સતાર હામદાણીએ પવિત્ર સૈયદ સાદાત અને મોહરમના તાજિયા અંગે વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણીઓ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરાંત, તેમણે પોલીસ પ્રશાસન લાંચ લઈને કામ કરતું હોવાના આક્ષેપો કરીને કાયદા અને શાસન પ્રત્યે અનાદર દર્શાવતી ભાષાનો ઉપયોગ કર્યો હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો અંગે ચિંતા આ વિવાદિત તકરીરનો વીડિયો અને ઓડિયો યુટ્યુબ તથા ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતાં મુસ્લિમ સમાજ તેમજ અન્ય સમાજના શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ હોવાનું અરજદારોએ જણાવ્યું છે. આ પ્રકારની ટિપ્પણીઓના કારણે વિસ્તારમાં સામાજિક અને સાંપ્રદાયિક શાંતિ ભંગ થવાની શક્યતા હોવાનું પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.