રાજકોટ શહેરમાં આગામી પવિત્ર શ્રાવણ માસ તેમજ રક્ષાબંધનના તહેવારોમાં લોકોના આરોગ્ય સાથે ગંદી રમત રમાતી હોવાનું સામે આવ્યું છે. ગુરુવારે આજીડેમ વિસ્તારમાં આવેલી કનૈયા ડેરીમાં આજીડેમ પોલીસની અને મનપાનાં ફૂડ વિભાગની ટીમો દ્વારા સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ફ્રીજ ખોલતા જ માખીઓ ઉડતી જોવા મળતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા તેમજ મોટી માત્રામાં અખાદ્ય મીઠાઈ અને માવાનો જથ્થો મળી આવતા 95 કિલોનો સ્થળ પર નાશ કરાયો હતો. એટલું જ નહીં ઘીમાં પણ ભેળસેળ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતા ફૂડ વિભાગ દ્વારા તેના નમુનાઓ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ તહેવારોના દિવસોમાં નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને આરોગ્યપ્રદ ખાદ્યસામગ્રી મળી રહે તેમાટે પોલીસ કમિશ્નરનાં આદેશથી આજીડેમ પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ ગોઠવવામાં આવ્યું હતું. દરમિયાન સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓને ચોક્કસ અને ખાનગી બાતમી મળી હતી કે આજીડેમ ચોકડી નજીક આવેલ દીનદયાળ ઈન્ડસ્ટ્રીઝ એરીયાની શેરી નં.3 માં આવેલી “કનૈયા ડેરી ફાર્મ”માં મોટા પ્રમાણમાં ભેળસેળયુક્ત અખાદ્ય મીઠાઈ અને માવો બનાવવામાં આવી રહ્યો છે. બાતમી મળતાં જ આજીડેમ પોલીસ ટીમે ત્વરિત RMC ના ફૂડ વિભાગના અધિકારીઓનો સંપર્ક કરી સંયુક્ત રેડનું આયોજન કર્યું હતું.