રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા તંત્ર એક્શનમાં

રાજકોટમાં ગત જુલાઈ માસ દરમિયાન શરદી, ઉધરસ, તાવ, ઝાડા-ઉલટી તેમજ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા મોસમી તથા વાહકજન્ય રોગચાળાના કેસોમાં વધારો નોંધાયો છે. ચોમાસાની વર્તમાન ઋતુમાં ઠેર-ઠેર પાણી ભરાવાના કારણે મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો ઝડપથી વધી રહ્યા છે, જેને પગલે રોગચાળો વધુ ન વકરે તે માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા તાત્કાલિક એક્શન મોડમાં આવી છે.

જેમાં વાહકજન્ય રોગોને અસરકારક રીતે નિયંત્રિત કરવા અને મચ્છર ઉત્પત્તિના સ્થાનોનો સ્થળ પર જ નાશ કરવાના હેતુથી RMC દ્વારા ખાસ ‘વન-ડે-વન-વોર્ડ’ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ઓગસ્ટ માસ દરમિયાન 160થી વધુ ટીમો ઘરો, શાળા, બાંધકામ સાઇટ, હોટેલ-રેસ્ટોરન્ટ અને સરકારી કચેરીઓ સહિતના સ્થળે ભરાયેલા પાણીની ચકાસણી કરશે. જ્યાં મચ્છર ઉત્પત્તિ માલૂમ પડશે તો નોટિસ અને પેનલ્ટી સહિતની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં જુલાઈ માસ દરમિયાન મોસમી અને વાહકજન્ય રોગચાળાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જુલાઈ મહિનામાં શહેરમાં કુલ 8331 કેસ નોંધાયા હતા, જેમાં શરદી-ઉધરસના 3447 કેસ, સામાન્ય તાવના 3481 કેસ, ઝાડા-ઉલટીના 1364 કેસ, ટાઈફોઈડના 4 કેસ, કમળાના 3 કેસ, ડેન્ગ્યુના 1 અને મેલેરિયાના 1 કેસનો સમાવેશ થાય છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં કુલ 1741 કેસ (શરદી-ઉધરસ 719, તાવ 764, ઝાડા-ઉલટી 258) નોંધાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *