રાજકોટના કોઠારિયા રોડ પર આવેલા આશાપુરા નગરમાં રહેતા મંજૂબેન ગોવિંદભાઇ ભટ્ટી (ઉ.વ.73) ત્રણ દિવસ પહેલા સવારના સમયે હુડકો ચોકડી પાસે પસાર થઇ રહ્યા હતા ત્યારે અજાણયા બાઇક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની આ ઘટનામાં ઘવાયેલા વૃધ્ધાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જયા આજ રોજ વૃધ્ધાનું મોત નીપજતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
આજીડેમ પોલીસે રીક્ષા ગેંગની કરી ધરપકડ રાજકોટ આજીડેમ પોલીસ ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્વાતી પાર્ક મેઇન રોડ બગીચા પાસેથી ત્રિપુટીને ઝડપી પાડી હતી જેમાં પોલીસે તેમની પૂછતાછ કરતા તેના નામ હુસેન દાઉદ મલેક (ઉ.વ.28), શિવમ અજયસિંહ રાજપુત (ઉ.વ.25) અને ભરત મૂળજી ચંદ્રપાલ (ઉ.વ.30) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ ત્રિપુટીની પૂછતાછ કરતા તેણે ગુનાની કબુલાત આપી હતી જેથી પોલીસે આરોપી પાસેથી રૂ.25 હજારની રોકડ કબજે કરી હતી. આરોપીઓ જાહેર રોડ પર ઉભેલ એકલદોકલ વ્યક્તિઓને પેસેન્જર તરીકે રીક્ષામાં બેસાડી ચાલુ રિક્ષાએ ઉલટી ઉબકા કરવાનું નાટક કરી પેસેન્જરના ખિસ્સામાંથી રોકડ રકમ સેરવી લેતા હતા અને બાદમાં ભાડું લીધા વગર પેસેન્જરને ઉતારી નાસી જતા હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી શિવમ અને ભરત અને સાળા-બનેવી હોવાનું સામે આવ્યું છે.
સૌરાષ્ટ્રમાં ત્રણેય આરોપી વિરુદ્ધ ગુના નોંધાઈ ચુક્યા છે પોલીસ તપાસમાં આરોપી હુસેન મલેક સામે પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં છ અને શાપરમાં દારૂનો એક ગુનો નોંધાઈ ચૂક્યો છે. જ્યારે ભરત ચંદ્રપાલ સામે રાજકોટના બી ડિવિઝન, પ્રદ્યુમનનગર, ભક્તિનગર, તાલુકા, રાજકોટ ગ્રામ્યના આટકોટ અને વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ચોરી, વાહન ચોરી, દારૂ સહિતના 13 ગુના નોંધાઇ ચૂક્યા છે. જયારે શિવમ રાજપુત સામે રાજકોટના આજીડેમ, માલવિયાનગર, તાલુકા, ડીસીબી અને રાજકોટ ગ્રામ્યના આટકોટ પોલીસ સ્ટેશનમાં દારૂ, ચોરી સહિતના પાંચ ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.