રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘમાં ચેરમેન અને વાઈસ ચેરમેનનો વિવાદ મુખ્યમંત્રી સમક્ષ પણ ચર્ચાયો છે. દિલીપ સંઘાણીના સન્માન કાર્યક્રમમાં નામ લીધા વગર ઈશારામાં સાંસદ રૂપાલાએ આ મુદ્દો છેડી ટોણો માર્યો હતો, જેમાં રૂપાલાએ કહ્યું હતું કે, રાજકોટ લોધિકા સંઘમાં 300 કરોડની ડિપોઝીટ પડી છે અને આ એક મજબૂત સહકારી માળખું છે. આ સમયે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી હસવા લાગ્યા હતા. આ જોઈ રૂપાલા બોલ્યા હતા કે, જગદીશભાઈ શા માટે હશે છે એ હું જાણું છું પણ અહીં વાત કરવા નથી માંગતો.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે મહિનાની રાજકોટ લોધિકા સંઘમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની નિમણૂંક અધ્ધરતાલ છે. આંતરિક જૂથવાદને કારણે નિમણૂંકો સ્થગિત થઈ છે. જો કે, આ વીડિયો પરથી ભાજપનું પ્રદેશ નેતૃત્વએ પણ જૂથવાદથી જ આ નિમણૂંક અટકાવી હોય તેવું લાગી રહ્યું છે.
આજે પણ સંઘમાં 300 કરોડની ડિપોઝીટ પડી છે: પુરુષોત્તમ રૂપાલા
રાજકોટ લોકસભાના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે કો.ઓપરેટીવ ક્ષેત્રમાં એવડું મોટું કામ કર્યું છે કે આજે પણ એડિબલ ઓઈલ ક્ષેત્રમાં આપણા જે પ્રશ્નો છે એમનો એમણે એમના સમયમાં પ્રયત્ન કર્યા છે. આખા રાજ્યને પૂરું પાડી શકાય એટલા એડિલ ઓઈલનું સ્ટોરેજ કરવા માટે કેપેસીટી રાજકોટ લોધિકા સંઘના માધ્યમથી રાજકોટના પાદરમાં ઉભી કરવામાં આવી છે અને આજે પણ એ અડીખમ ઊભી છે. આપણને આશ્ચર્ય થાય કે એમણે આ સંઘ કેવી રીતે ચલાવ્યો હશે કે આજે પણ એમાં 300 કરોડની ડિપોઝીટ પડી છે.