રાજકોટ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. આ મેઘમહેર વચ્ચે શહેરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. રાજકોટના પૂર્વ વિસ્તારમાં આવેલા બેડીપરાની શ્રમજીવી સોસાયટીમાં રામજી મંદિર ચોક નજીક મોડીરાત્રે એક જૂનું અને અત્યંત જર્જરિત મકાન અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ ગયું હતું. આ ભયાનક હોનારતમાં મકાનની નીચે દટાઈ જતા એક વ્યક્તિનું કરૂણ મોત નિપજ્યું છે.
મકાનની દીવાલો અને છત એકાએક તૂટી પડી પ્રાપ્ત થતી વિગતો મુજબ, બેડીપરા સ્થિત શ્રમજીવી સોસાયટીમાં આવેલ રામજી મંદિર ચોક પાસે મોડીરાત્રિના સમયે જ્યારે મોટાભાગના લોકો નિંદ્રાધીન હતા, ત્યારે જર્જરિત મકાનની દીવાલો અને છત એકાએક કડડભૂસ થઈને નીચે પડી ગઈ હતી. મકાન ધરાશાયી થવાનો જોરદાર અવાજ આવતાં જ આસપાસના રહેવાસીઓ તાત્કાલિક ઘરોની બહાર દોડી આવ્યા હતા. આ ઘટનામાં મકાન અંદર રહેલા 48 વર્ષીય અજયભાઈ કુરજીભાઈ બેલદાર કાળનો કોળિયો બન્યા હતા. આ મકાનનો ભારેખમ કાટમાળ તેમની ઉપર પડતાં તેઓ ગંભીર રીતે દબાઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
મકાન કોંક્રિટ અને માટીના કાટમાળમાં તબદીલ થઈ જતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ તથા 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ઈમરજન્સી સેવાઓ તથા તંત્રનો આપાતકાલીન કાફલો મિનિટોમાં જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરો અને રેસ્ક્યૂ ટીમે ભારે જહેમત ઉઠાવીને દબાયેલી વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી, પરંતુ કમનસીબે 48 વર્ષીય અજયભાઈ બેલદારને બહાર કાઢવામાં આવ્યા ત્યાં સુધીમાં તેમનું પ્રાણપંખેરૂં ઊડી ગયું હતું. 108ના તબીબી સ્ટાફે તેઓને મૃત જાહેર કર્યા હતા.