કાળીપાટ નજીક ગોઝારો અકસ્માત

રાજકોટના ન્યૂ ગોંડલ રિંગ રોડ-2 પર, કાળીપાટ ગામથી આગળ લાપસરી-વડાળી ચોકડી વચ્ચે ગઈકાલે સાંજે હૃદયકંપાવનારો અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચેની જોરદાર ટક્કરને કારણે કારનો ભૂકો બોલી ગયો હતો અને તેમાં સવાર એક 27 વર્ષીય આશાસ્પદ યુવાનનું કરૂણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાનનો મૃતદેહ કારના કાટમાળમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડને રસા અને હાઇડ્રોલિક સ્પ્રેડરની મદદ લેવી પડી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગત સાંજનાં આશરે પોણા છ વાગ્યાની આસપાસ કાળીપાટ નજીક મારુતિ સ્વિફ્ટ કાર (નંબર GJ-03-ML-5194) અને અશોક લેલેન્ડ ટ્રક (નંબર GJ-03-BW-6129) વચ્ચે કોઈ કારણોસર ભયંકર અકસ્માત સર્જાયો હતો. સામસામે થયેલી આ અકસ્માતમાં નાનકડી સ્વિફ્ટ કારનો આગળનો આખો ભાગ ટ્રકની નીચે ઘૂસી ગયો હોય તેમ કચડાઈ ગયો હતો, જેના કારણે કારનો સાવ બુકડો બોલી ગયો હતો. અકસ્માત સમયે સ્વિફ્ટ કાર ચલાવી રહેલા રાજકોટના ગ્રીન પાર્ક-3, કોઠારીયા રોડ ખાતે રહેતા 27 વર્ષીય જયદીપભાઈ ભરતભાઈ વેકરીયા કારના કાટમાળમાં ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ગયા હતા.

ફાયર ઓફિસરો અને કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અકસ્માતની ભયાનકતા અને કારના નબળા પડેલા પતરાં જોતાં આસપાસના લોકો માટે તેમને બહાર કાઢવું અશક્ય હતું. આ બનાવની જાણ થતાં જ રાજકોટ ફાયર બ્રિગેડના મુખ્ય કંટ્રોલ રૂમ દ્વારા બેડીપરા ફાયર સ્ટેશનને તાત્કાલિક મેસેજ આપવામાં આવ્યો હતો. આ મેસેજ મળતા જ સાંજે 5:46 વાગ્યે બેડીપરા ફાયર સ્ટેશનની એક ઇમરજન્સી ટેન્ડર ગાડી (નંબર GJ-31-1792) અને બીજી સ્ટાફ વાહન (નંબર 1995) સાથે ફાયર ઓફિસરો અને કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે સ્થિતિની ગંભીરતા સમજીને તુરંત જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *