સુરતમાં વેપારી મિત્રને આત્મહત્યા માટે મજબૂર કરનાર ત્રણ મિત્રની ફ્રેન્ડશિપ ડેના દિવસે જ ધરપકડ કરવામાં આવી છે. સરથાણા વિસ્તારમાં રહેતા વેપારી રાજેશભાઈ કુંજડીયાએ 30 જુલાઈએ આત્મહત્યા કરી લીધી હતી. જેની પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, ત્રણ મિત્રએ ₹ 17.32 લાખ ઉછીના લઈ પરત કરવાના બદલે મ્યુલ એકાઉન્ટ ખોલાવી સાયબર ક્રાઈમમાં ફરિયાદની ધમકી આપતા અને પૈસા ન હોય તો મરી જવાય એવું કહેતા આખરે કંટાળીને આ પગલું ભર્યું હતું.
મિત્રએ કેનેડા જવાનું કહી 14 લાખ રોકડા લીધા એમ્બ્રોઈડરીના ધંધાર્થી અને મૂળ જૂનાગઢ વિસાવદર મોણીયા ગામના વતની રાજેશભાઈ પત્ની ભાવિકાબેન અને બે બાળક સાથે શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા હતા. ત્રણેક મહિનાથી કાપડના ધંધામાં મંદી ચાલતી હોય મશીન બંધ કરી વેચી દીધા હતા. મશીનના વેચાણથી 14 લાખ આવ્યા હતા. જે રાજેશભાઈએ તેમના મિત્ર ઘનશ્યામભાઈ આહિરને કેનેડા જવું હોવાથી ફેબ્રુઆરી,2026માં આપ્યા હતા.
જો કે, એક મહિના બાદ રાજેશભાઈએ પૈસા પરત માંગ્યા તો ઘનશ્યામે ના પાડી હતી. એટલું જ નહીં ઘનશ્યામે રાજેશભાઈને ટ્રાન્ઝેક્શનમાં ભાગ આપવાનું કહી છ બેન્કમાં મ્યુલ એકાઉન્ટ પણ ખોલાવ્યા હતા અને તે અંગે તેમને સમજ પડતી નહોતી. જે બાદ પોતે ફસાયા છે તેવી જાણ થઈ હતી. આ સમયે મિત્ર ઘનશ્યામે તેમને સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદની ધમકી આપતા રાજેશભાઈ ગભરાઈ ગયા હતા. જ્યારે રાજેશભાઈએ અન્ય બે મિત્ર નિક્સિત ઉર્ફે રીકી અને દાઢી આહીરને પણ 2 લાખ અને 1.32 લાખ ઉછીના આપ્યા એ બંને પણ પરત કરતા નહોતા.