“આજે તને પતાવી દેવો છે” કહી યુવાનની જાહેરમાં હત્યા

રાજકોટ શહેરમાં કોર્ટમાં ચાલી રહેલા હત્યાના પ્રયાસના કેસને લઈને ફરી એક વખત હિંસક ઘટનાએ ચકચાર મચાવી છે. 2 વર્ષ પહેલાં થયેલા જીવલેણ હુમલાના કેસમાં સમાધાન ન કરતા ભક્તિનગર સર્કલ પાસેના ધર્મજીવન એપાર્ટમેન્ટ પાસે તા.1 ઓગસ્ટના સાંજે 6.30 વાગ્યા આસપાસ વૃધ્ધના 42 વર્ષીય પુત્ર ઘનશ્યામસિંહ વાઘેલા પર “આજે તો તને પતાવી દેવો છે” તેમ કહી જાહેરમાં છરીના ઘા ઝીંકી દીધા હતા જેને લીધે ગંભીર રીતે ઘાયલ યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો છે. સરાજાહેર હત્યાના બનાવથી પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા છે. જોકે આ ઘટના બાદ ભક્તિનગર પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ફરિયાદી અનુપસિંહ કેશુભા વાઘેલાના જણાવ્યા મુજબ વર્ષ 2024માં ધોરાજી તાલુકાના ભાડેર ગામે તેમના તથા પુત્ર ઘનશ્યામસિંહ પર ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાએ જીવલેણ હુમલો કર્યો હતો. તે મામલો હાલ ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે. પરિવારનો આક્ષેપ છે કે, કેસમાં સમાધાન કરવા માટે આરોપી પક્ષ તરફથી સતત દબાણ કરવામાં આવતું હતું પરંતુ, તેમણે સમાધાનનો ઇનકાર કર્યો હતો. ફરિયાદ મુજબ હુમલાના દિવસે બપોરે આરોપીના ભાઈ ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને એક અજાણ્યો શખ્સ ફરિયાદીના ઘરે તેમજ અવધ મેડિકલ ખાતે ફરિયાદી અને તેમના પુત્રને શોધતા આવ્યા હતા. સોસાયટી અને મેડિકલ સ્ટોરના CCTVમાં બંને દેખાતા હોવાનો પરિવારનો દાવો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *