પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લામાં રવિવારે એક પોલીસ સ્ટેશનની બહાર વિસ્ફોટ થયો. જેમાં 14 લોકોના મોત થયા છે, જ્યારે 22 લોકો ઘાયલ થયા છે.
પાકિસ્તાની મીડિયા ડોન અનુસાર, હુમલા સમયે નજીકના કાબલ ચોક પર આતંકવાદ વિરુદ્ધ શાંતિ રેલી ચાલી રહી હતી. આ દરમિયાન એક યુવક કાબલ પોલીસ સ્ટેશનના ગેટ પર પહોંચ્યો. પોલીસકર્મીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે રોકાયો નહીં. પોલીસ કોઈ કાર્યવાહી કરે તે પહેલાં, યુવકે પોતાને ઉડાવી દીધો.
જે સમયે વિસ્ફોટ થયો ત્યારે રેલીમાં છેલ્લા વક્તાનું ભાષણ ચાલી રહ્યું હતું. વિસ્ફોટનો અવાજ સાંભળીને રેલીમાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ. ઘાયલોને સૈદુ શરીફ ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હાલમાં કોઈ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. તાજેતરના મહિનાઓમાં સ્વાત અને સમગ્ર ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. થોડા દિવસો પહેલા હંગુ જિલ્લામાં પોલીસ ચોકી પર થયેલા હુમલામાં 9 પોલીસકર્મીઓના મોત થયા હતા.