ગ્લાસગોમાં 11 દિવસ સુધી ચાલેલા કોમનવેલ્થ ગેમ્સ 2026નું સમાપન થઈ ગયું છે. રવિવારે રાત્રે ક્લોઝિંગ સેરેમનીમાં શંકર મહાદેવન, માનુષી છિલ્લર, સિતાર વાદક ઋષભ રિખીરામ અને ભૂમિ ત્રિવેદીએ દમદાર પરફોર્મ કર્યું.
આ દરમિયાન કોમનવેલ્થ સ્પોર્ટ્સના પ્રેસિડેન્ટ ડો. ડોનાલ્ડ રુકાએ 2030 ગેમ્સના યજમાન ભારતને મશાલ સોંપી. અહીં નીરજ ચોપરા, દિગ્ગજ એથ્લીટ પીટી ઉષા અને ગુજરાતના ડિપ્યુટી CM હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા.
શંકર મહાદેવને ‘એ વતન…’, ‘ભાગ મિલ્ખા…’ ગાયું. તેમણે પોતાના પુત્રો અને ભૂમિ ત્રિવેદી સાથે ‘પરચમ લહરા દો…’ ગીત પર દમદાર પરફોર્મન્સ આપ્યું.
આ પહેલાં પ્રખ્યાત સિતાર વાદક ઋષભ રિખીરામ અને બેગપાઇપર રોસ એન્સલીએ મળીને કલ્ચરલ પ્રસ્તુતિ આપી. રિખીરામે શિવ તાંડવ સ્તોત્ર ગાયું. 2017ની મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે ‘વંદે માતરમ્’ પર પરફોર્મ કર્યું.
ઓસ્ટ્રેલિયન સિંગર ડેલ્ટા ગુડરેમ, પ્રખ્યાત બેન્ડ એલિફન્ટ સેશન્સ અને શેરીન કટકેલ્વિને પોતાની પ્રસ્તુતિમાં સ્કોટલેન્ડના કલ્ચરની ઝલક દર્શાવી.