કેન્દ્ર સરકારે બુધવારે રાજ્યસભામાં જણાવ્યું કે BS-3 ધોરણવાળી ગાડીઓમાં E-20 પેટ્રોલ (20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) વાપરવાથી કેટલાક રબર પાર્ટ્સ અને ગાસ્કેટ બદલવા પડી શકે છે. જોકે સરકારે સ્પષ્ટ કર્યું કે તેનાથી એન્જિનમાં ફેરફાર કરવાની જરૂર નહીં પડે.
આ પાર્ટ્સ નિયમિત સર્વિસિંગ દરમિયાન સરળતાથી બદલી શકાય છે. આ પહેલીવાર છે, જ્યારે સંસદમાં સરકારે આ પ્રકારની વાત કહી છે. જાણવા મળ્યું છે કે, 2005 થી 2016 ની વચ્ચે બનેલી ગાડીઓ BS-3 ધોરણવાળી છે.
આ માહિતી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઉપલા ગૃહમાં લેખિત જવાબમાં આપી. તેમણે જણાવ્યું કે ઇન્ડિયન ઓઇલ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ, સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (સિયામ) અને ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો પર E-20 ઇંધણનો અભ્યાસ કર્યો હતો.
ગડકરીએ એમ પણ કહ્યું કે વાહનનું માઇલેજ ફક્ત ઇંધણ પર નિર્ભર નથી કરતું, પરંતુ ડ્રાઇવિંગ સ્ટાઇલ, રસ્તાની સ્થિતિ, જાળવણી અને અન્ય પરિબળોથી પણ પ્રભાવિત થાય છે. તેનો ઉપયોગ દુનિયામાં એક સદીથી વધુ સમયથી થઈ રહ્યો છે.