વેપારી છીએ, ભીખારી નહીં…લોન આપો, હપ્તે-હપ્તે ભરી દઈશું

અમદાવાદમાં પડેલા અતિભારે વરસાદે અનેક પરિવારો અને વેપારીઓને આર્થિક રીતે ભારે ફટકો આપ્યો છે. ડ્રાઇવિંગ રોડ પર આવેલા ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં ચારથી પાંચ ફૂટ સુધી વરસાદી પાણી ભરાઈ જતાં દુકાનોમાં રાખેલો માલ, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ અને મહત્વના દસ્તાવેજો બગડી ગયા હતા. લાખો રૂપિયાનું નુકસાન સહન કરનારા વેપારીઓ હવે સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાયની જાહેરાતથી પણ સંતુષ્ટ નથી. વેપારીઓનું કહેવું છે કે નુકસાનની સરખામણીએ જાહેર કરાયેલી સહાય ખૂબ ઓછી છે. દયાદાન નહીં ધંધો ફરી ઊભો કરવા લોન આપવા માટે દુકાન માલિકોએ માંગ કરી છે.

દુકાન માલિકોનું કહેવું છે કે અમે વેપારી છીએ, ભિખારી નથી. જો સરકાર સીધી સહાય આપી શકતી ન હોય તો વ્યાજમુક્ત કે સરળ શરતો પર લોન આપે, અમે હપ્તે-હપ્તે ભરી દઈશું. પરંતુ દયાદાન નહીં, વ્યવસાય ફરી ઉભો કરવાની તક જોઈએ.

2001માં પણ ઇન્દ્રપ્રસ્થ ટાવરની દુકાનો ડૂબી હતી ભારે વરસાદના કારણે રસ્તાઓ પરથી પાણી ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં ઘૂસી ગયા હતા. અંદાજે 25 વર્ષ પહેલા આ જ સ્થળે આ પ્રકારની સ્થિતિ સર્જાઇ હતી. જેથી 25 વર્ષ બાદ ફરી ભારે વરસાદના કારણે દુકાનો પાણીમાં જળમગ્ન થઈ ગઈ હતી. દુકાનમાં રાખવામાં આવેલો સામાન સ્થળે ખસેડવાનો પણ દુકાન માલિકોને સમય મળ્યો ન હતો. જેના કારણે 20 કરતા વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઈ હતી. દુકાનમાં રાખવામાં આવેલી ઈલેક્ટ્રીક વસ્તુઓ સહિત તમામ માલસામાન પલળી ગયો હતો. જેના કારણે દુકાન માલિકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે. તેમજ જે પણ વસ્તુઓ પલળી ગઈ છે તે ફરી કામમાં પણ ન આવી શકતા ફેંકી દેવી પડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *