બજારમાં ટૂંક સમયમાં જ ₹10 અને ₹20ની પ્લાસ્ટિક નોટો જોવા મળશે. રિઝર્વ બેંક 100-100 કરોડ એટલે કે કુલ 200 કરોડ પોલિમર એટલે કે પ્લાસ્ટિકથી બનેલી નોટો છાપશે. આ પ્લાસ્ટિક કરન્સીનું ટ્રાયલ હશે, જો આ સફળ થશે તો આગળ બીજી નોટો પણ છાપવામાં આવશે.
કેન્દ્ર સરકારે આની મંજૂરી આપી દીધી છે. આ માહિતી નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સોમવારે લોકસભામાં આપી હતી. જોકે, પોલિમર નોટોનું ટ્રાયલ ક્યારે શરૂ થશે, તેની તારીખની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.
પોલિમર બેંકનોટનું ટ્રાયલ સફળ થયા પછી RBI ₹10 અને ₹20 બંને મૂલ્યની નોટોને નિયમિત રીતે જાહેર કરશે. જોકે કાગળની હાલની કરન્સી પણ ચાલતી રહેશે. તેને બંધ કરવામાં નહીં આવે.
10 દિવસ પહેલા મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે RBI ટૂંક સમયમાં દેશમાં પોલિમરથી બનેલી નોટોનો પહેલો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે. આ દેશમાં નવી જનરેશનની કરન્સી લાવવાના RBIના પ્લાનનું આગળનું પગલું છે.