રાજકોટ શહેરના દિવાનપરામાં ભરવાડ સમાજના આરાધ્ય દેવ મચ્છો માતાજી મંદિરમાં 24 જુલાઈના મોડી રાત્રિના સમયે એક શખ્સ પ્રવેશ્યો હતો અને મંદિરની દાનપેટી તોડી તેમાંથી ચોરી કરી ગયો હતો. જે અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર એક જ દિવસમાં ચોરને પકડી પાડ્યો હતો. જોકે ભરવાડ સમાજના આગેવાનના દાવા મૂજબ દાનપેટીમાં રૂ.1 લાખ જેટલું દાન હોવું જોઈએ, પરંતુ ચોરે માત્ર રૂ.12 હજારની ચોરી જ કબૂલ કરી છે.
ચોર 24 જુલાઈના રાત્રિના 2.45 વાગ્યે મંદિરમાં પ્રવેશ્યો પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ, શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિવાનપરા શેરી નંબર 11 માં આવેલા મચ્છો માતાજીના મંદિરના નવીનીકરણનું હાલ કામ ચાલી રહ્યું છે અને તેને કારણે હજુ એન્ટ્રીગેટ બન્યો ન હતો જેનો લાભ લઈને ચોર 24 જુલાઈના રાત્રિના 2.45 વાગ્યા આસપાસ મંદિરમાં પ્રવેશ્યો હતો અને દાનપેટી તોડી તેમાંથી દાનના આવેલા રૂપિયા લઇ ફરાર થઈ ગયો હતો.
જોકે ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં મૂળ ઉત્તર પ્રદેશના અને અહીં મજૂરી કામ કરતા વિવેક ચૌહાણ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી પોલીસે રૂ.12,500 ની રોકડ રકમ કબજે કરી છે. આરોપી સામે રાજકોટ શહેર અને જામનગરમાં મળી અલગ અલગ 19 ગુના નોંધાઈ ચૂક્યા છે.
દાન પેટીમાંથી રોકડ 12 હજારની ચોરી કર્યાની કબૂલાત આ મંદિરે આસપાસના 84 ગામના ભરવાડ સમાજના લોકો દર્શન માટે આવે છે. આ ઉપરાંત તાજેતરમાં અષાઢી બીજ હોવાથી ત્યાં મોટી સંખ્યામાં મચ્છોયા આહિર અને રબારી સમાજના ભક્તો પણ ઉમટી પડ્યા હતા. ભરવાડ સમાજના આગેવાન રણજીત મુંધવાએ જણાવ્યું હતું કે, આ મંદિરની દાન પેટી દર ત્રણ મહિને ખોલવામાં આવે છે અને તેમાં અંદાજે અઢી લાખ જેટલું દાન આવતું હોય છે.