અમદાવાદ શહેરમાં 23મીએ પડેલા ભારે વરસાદના કારણે બોપલ, ઘુમા અને શેલા વિસ્તારની હાલત કફોડી બની હતી. ત્રણ દિવસ વિત્યા બાદ પણ અનેક સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે. તેની વચ્ચે આજે મેયર હિતેષ બારોટ બોપલ ગામની મુલાકાતે પહોંચતા સ્થાનિક લોકો અને કોંગ્રેસ નેતાઓએ ઘેરાવ કરી પ્રશ્નોને મારો ચલાવ્યો હતો. મેયરે કહ્યું હતું કે, જે ઉગ્ર થયો હતો તે કોંગ્રેસનો કાર્યકર હતો, અહીંના લોકોને કોઈ તકલીફ નથી. મહાનગરપાલિકા પાણી કાઢવાની કામગીરી હાથ ધરી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી ગામના વિસ્તારોની સ્થિતિ એ હતી કે બોટમાં સવાર થઈને જવું પડે. રિપોર્ટરે પણ 25 તારીખે બોટમાં બેસી આ વિસ્તારમાં લોકોની સ્થિતિ જાણી હતી. જેમાં લોકો પોતાની આપવીતી જણાવતી રડી પડ્યા હતા.
ભારે વરસાદના કારણે બોપલ ઘુમા સહિતના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો હતો. તેમજ બોપલ ગામમાં આવેલા ઠાકોર વાસ, પરમાર વાસ સહિતના વાસમાં પણ છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાયેલા છે. પરંતુ પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો ભૂખ્યા તરસ્યા જીવન જીવવા મજબૂર બન્યા છે.
તેમજ લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જતા ઘર વકરી સહિત તમામ ચીજ વસ્તુઓને નુકશાન થયું છે. તેમજ એકપણ અધિકારી કે નેતા દ્વારા ત્રણ દિવસ સુધી વિસ્તારની મુલાકાત પણ લેવામાં આવી ન હતી. જેના કારણે લોકો મુખ્યમંત્રી મુલાકાત કરે તેવી માંગ પણ કરી રહ્યા હતા.