ધોરાજીમાં ભારે વરસાદને કારણે સફુરા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઐતિહાસિક પંચનાથ મંદિર તરફ જતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. નદીમાં પાણીની આવક વધતા કોઝવે સંપૂર્ણપણે ડૂબી ગયો હતો.
કોઝવે પર પાણી ફરી વળતાં તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી માર્ગ બંધ કરાયો છે. સ્થાનિક તંત્રએ નાગરિકોને કોઝવે પરથી પસાર ન થવા અને કોઈપણ પ્રકારનું જોખમ ન લેવા અપીલ કરી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી લોકોને નદી અને કોઝવે નજીક ન જવા પણ સૂચના અપાઈ છે.
ધોરાજી તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 46 મિમી (પોણા બે ઇંચ) વરસાદ નોંધાયો છે. ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીનો કુલ વરસાદ 347 મિમી સુધી પહોંચ્યો છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જ્યારે નદી-નાળાઓમાં નવા નીરની આવક થતાં ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે.
વહીવટી તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.