બીમારીથી કંટાળી વૃધ્ધાએ ઝેરી દવા પી અને ગૃહક્લેશથી કંટાળી આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

રાજકોટ શહેરમાં વધુ બે આપઘાતના બનાવ સામે આવ્યા છે. જેમાં પ્રથમ બનાવમાં સોનલબેન પારેખ નામના વૃધ્ધાએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે જયારે બીજા બનાવમાં દિનેશભાઇ સોલંકી નામના આધેડે ગૃહ ક્લેશથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં દિનેશભાઇએ અગાઉ પણ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ બન્ને મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

બીમારીથી કંટાળી 67 વર્ષીય વૃધ્ધાએ કર્યો આપઘાત સોનલબેન પંકજભાઈ પારેખ (ઉં.વ.67) ગઈકાલે સાંજે 5 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી લેતા પરિવારજનોએ તેમને તત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા અહીં ઇમરજન્સી સારવાર દરમિયાન રાત્રે 10 વાગ્યાં આસપાસ તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકી દ્વારા રાજકોટ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સોનલબેનના પતિ પંકજભાઈને લેબોરેટરી છે તેમને સંતાનમાં એક દીકરો છે. મૃતક સોનલબેન લાંબા સમયથી હૃદયની બીમારીથી પીડિત હતા જેનાથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.

લાપાસરીમાં 41 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત રાજકોટ નજીક લાપાસરી ગામે રહેતા હરપાલસિંહ છનુભા રાઠોડ (ઉં.વ.41) આજે સવારે 9 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયા હતા જેથી તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યાં હતા. પોલીસ પુછપરછમાં હરપાલસિંહ ખેતી કરતા હોવાનું અને તેઓ 2 ભાઈમાં મોટા હોવાનું સામે આવ્યું છે. તેમને સંતાનમાં 1 દીકરો અને 1 દીકરી છે. બનાવ અંગે આજીડેમ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જેના પ્રાથમિક તારણમાં હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે.

ગૃહકલેશથી કંટાળી આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં આવેલ સુખ સાગર સોસાયટીમાં રહેતા દિનેશભાઈ વશરામભાઈ સોલંકી (ઉ.વ.51) પોતાના ઘરે હતા ત્યારે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પહેલા જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક આધેડ બે ભાઈમાં નાના હોવાનું અને તેમને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું સામે આવ્યું છે. મૃતક આધેડ દારૂ પીવાની કુટેવ ધરાવતા હતા. અગાઉ પણ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન અવારનવાર થતા ગૃહકલેશથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *