ખેડા જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદના કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની અતિ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને માતર, મહેમદાવાદ, વસો અને નડિયાદ તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ચારેય તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો જળમગ્ન બની જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા પર નજર કરીએ તો મહેમદાવાદ તાલુકામાં રેકોર્ડબ્રેક 20 ઇંચ અને માતર તાલુકામાં 18 ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબક્યો છે. જ્યારે નડિયાદ શહેરમાં પણ 15 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આટલા ટૂંક સમયમાં ખાબકેલા ભારે વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ ગંભીર બની ગઈ છે.