રાજકોટમાં સાસરિયાના ત્રાસથી વધુ એક પરિણીતાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં નવોઢાએ પતિ અને સાસરિયાના માનસિક ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમ લગ્ન કરનાર નવોઢાને લગ્નના થોડા મહિના બાદ જ સાસુ અને નંણદે ઘરકામ બાબતે મેણાં મારવાનું શરૂ કરતા પતિને જાણ કરતા તેણે પણ મોઢું બંધ રાખવાનું કહી મારકૂટ કરી હતી. બાદમાં પરિણીતાએ માતા-પિતાને સાસરિયેથી તેડી જવાનું કહ્યું હતું પરંતુ પુત્રીને તેડવાં આવેલા માતા-પિતાને જમાઈએ ધક્કો મારી ઘરની બહાર કાઢી મુક્યા હતા. જે બાદ નવોઢાએ પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે પરિણીતાના પિતાએ જમાઈ, વેવાણ અને પુત્રીની નંણદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વૃદ્ધ રીક્ષાચાલક પિતાએ નોંધાવી ફરિયાદ
રાજકોટ શહેરના મોચી બજારની ચામડીયા ખાટકીવાડમાં રહેતા 63 વર્ષીય વૃદ્ધ રીક્ષાચાલક મહમદભાઈ દાઉદભાઈ તરકવાડીયાએ આરોપી તરીકે જમાઈ સલીમ ઇબ્રાહિમ બાવનકા, વેવાણ શરીફાબેન બાવનકા અને તેમની પુત્રી અફસાનાબેન બાવનકાનું નામ આપતાં બી ડિવિઝન પોલીસે મરવા મજબુર કર્યાની કલમ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેમની દિકરી રૂમાનાને એક વર્ષ પહેલા સાળા ઇબ્રાહીમભાઈ કાસમભાઇ બાવનકાના સૌથી નાના દિકરા સલીમ (ઉ.વ.30) સાથે મિત્રતા હોવાની જાણ થઇ હતી જેથી સમજાવટ કરતા સલીમે અવાર નવાર ‘મારે તમારી દિકરી સાથે મિત્રતા છે અને હું તેણીની સાથે જ લગ્ન કરીશ’ તેમ કહી દબાણ કર્યું હતું. જેથી રાજીખુશીથી દીકરીના લગ્ન સલીમ સાથે તા.08.02.2026નાં રોજ કરાવ્યા હતા. ત્યારબાદ મારી દિકરી સાસરે હતી. સાસરિયામાં તેના પતિ સલીમભાઇ, સાસુ શરીફાબેન, નણંદ અફસાનાબેન, જેઠ મોસીન સંયુક્ત પરિવારમાં રહેતા હતા. સાળા ઇબ્રાહીમભાઇ પાંચેક વર્ષ પહેલા ગુજરી ગયેલ છે.