રાજકોટ જિલ્લા જેલમાં રહેલા પાકા કામના કેદી પ્રકાશ પ્રભુદાસ દેસાણી (ઉ.વ.34) નામના યુવાને ગત તા.21ના સાંજે જેલની બેરેકમાં હતો ત્યારે અગમ્ય કારણોસર કાચના ટૂકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી જેલના સ્ટાફ દ્વારા તેને પ્રાથમિક સારવાર આપી બાદમાં વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેને પ્રીજનર વોર્ડમાં દાખલ કરી તબીબો દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરતા પોલીસે કેદીનુ નિવેદન નોંધવા અને તેણે આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા અને તેના પતિના મોબાઇલ નંબરની સાથે ખરાબ કોમેન્ટ લખી પોસ્ટર સોસાયટીમાં લગાવ્યા
રાજકોટના રેલનગરમાં રહેતા પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. 27.05.2026ના બપોરના સમયે પરિણીતા ઘરે હતી અને પતિ નોકરી પર ગયા હતા ત્યારે તેમની સોસાયટીમાં રહેતો હાર્દિક પોપટએ પરિણીતા તથા તેના પતિનો મોબાઇલ નંબર લખી તેમાં ખરાબ કોમેન્ટ લખી પોસ્ટર બનાવી સોસાયટીના નાકા ઉપર લગાવ્યા હતાં જેથી જે તે સમયે પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરી હતી. ત્યારબાદ હાર્દિક અવારનવાર પરણીતા તેના પુત્રોને સ્કૂલે બસમાં બેસાડવા અથવા બજારમાં ખરીદી કરવા જાય ત્યારે તેનો પીછો કરી પરિણીતા તથા તેના પતિ તેમજ તેના પુત્રોના ફોટા પાડી બીભત્સ કોમેંટ વાળા ફોટો શેર કરી હેરાન કરી અવારનવાર છેડતી કરતો હતો. પરિણીતાએ હાર્દિકને આવુ કૃત્ય કરવાની ના કહેતા તે ઉશ્કેરાય ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે, જો આ બાબતે કોઈને જાણ કરીશ તો તને તથા તારા પતિ તેમજ બાળકોને જાનથી મારી નાખીશ. દરમિયાન ગઈકાલે પણ હાર્દિકે સોસાયટીના ગ્રુપમાં બપોરના ખરાબ કોમેન્ટ કરી હોય જેથી અંતે પરિણીતા પોલીસ પાસે પહોંચી હતી જે મામલે પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.