દેશની બીજી સૌથી મોટી IT સર્વિસિસ કંપની ઇન્ફોસિસે આશિષ કુમાર દશને તેના નવા CEO તરીકે નિયુક્ત કર્યા છે. 23 જુલાઈ 2026ના રોજ પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો સાથે કંપનીએ આ નેતૃત્વ પરિવર્તનની જાહેરાત કરી. તેઓ વર્તમાન CEO અને MD સલિલ પારેખનું સ્થાન લેશે.
તેઓ 1 એપ્રિલ 2027થી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળશે. તેમનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે, જે 31 માર્ચ 2032 સુધી ચાલશે.
કંપનીનો નફો 12.2% વધીને 7,769 કરોડ રૂપિયા રહ્યો
જૂન ક્વાર્ટરમાં કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 12.2% વધીને 7,769 કરોડ રૂપિયા રહ્યો, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 6,921 કરોડ રૂપિયા હતો. અગાઉના ક્વાર્ટરના 8,501 કરોડ રૂપિયાની સરખામણીમાં કંપનીના નેટ પ્રોફિટમાં 8.6%નો ઘટાડો થયો છે.
રેવન્યુ 14% વધીને ₹48,211 કરોડ થઈ
ઇન્ફોસિસની આવક વાર્ષિક ધોરણે 14% વધીને 48,211 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એક વર્ષ પહેલાંના સમાન સમયગાળામાં કંપનીએ 42,279 કરોડ રૂપિયાની આવક મેળવી હતી.
ત્રિમાસિક ધોરણે (QoQ) જોઈએ તો કંપનીની આવકમાં 4% નો વધારો નોંધાયો છે. ગયા નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં (માર્ચ ત્રિમાસિક) કંપનીની આવક 46,402 કરોડ રૂપિયા રહી હતી.
સલિલ પારેખ બોલ્યા- 8 વર્ષમાં કંપનીની કમાણી બમણી થઈ
પોતાનું પદ છોડી રહેલા MD અને CEO સલિલ પારેખે કહ્યું કે છેલ્લા આઠ વર્ષમાં ઇન્ફોસિસનું નેતૃત્વ કરવું તેમના માટે ખૂબ જ સન્માનની વાત રહી છે. આ સમયગાળા દરમિયાન કંપનીની આવક 10 અબજ ડોલરથી વધીને બમણી એટલે કે 20 અબજ ડોલરથી વધુ થઈ ગઈ છે.
સલિલ પારેખે વધુમાં જણાવ્યું હતું કે અમે ડિજિટલ પરિવર્તનના ક્ષેત્રમાં અમારી સ્થિતિ મજબૂત કરી છે અને AI પરિવર્તન માટે એક અલગ વ્યૂહરચના તૈયાર કરી છે. આશિષ સાથે ઘણા વર્ષો સુધી કામ કરવાને કારણે, મેં તેમની પ્રામાણિકતા, ગ્રાહકો પ્રત્યેની વિચારસરણી અને પરિવર્તનના સમયમાં નેતૃત્વ કરવાની ક્ષમતાને ખૂબ નજીકથી જોઈ છે. તેમને અમારા ગ્રાહકો, વ્યવસાય અને કર્મચારીઓની ઊંડી સમજ છે. મને પૂરો વિશ્વાસ છે કે તેઓ ઇન્ફોસિસને પરિવર્તનના આગલા તબક્કામાં સફળતાપૂર્વક લઈ જશે.