દેશભરમાં મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા (NEET-UG)ના પેપર લીક વિવાદ અને રસ્તા પર ઉતરેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે OTT પ્લેટફોર્મ ZEE5એ પોતાની નવી ધમાકેદાર વેબ સીરીઝ ‘The Scam: Leaked’નું ટીઝર રિલીઝ કરી દીધું છે. વાઈરલ થઈ રહેલું આ ટીઝર એટલું ગંભીર અને સસ્પેન્સથી ભરેલું છે કે તેને જોઈને દર્શકોના રુંવાડા ઊભા થઈ જાય છે.
ટીઝરમાં શું બતાવવામાં આવ્યું છે?
1 મિનિટથી વધુ લાંબા આ ટીઝરની શરૂઆત એક હાઈ-સિક્યોરિટી વાળા પ્રિન્ટિંગ પ્રેસથી થાય છે, જ્યાં મેડિકલ પરીક્ષાના ગોપનીય પ્રશ્નપત્રો છપાઈ રહ્યા હોય છે. પરંતુ આ જ પ્રક્રિયા દરમિયાન ગુપ્ત રીતે પેપરના ફોટો પાડીને સોશિયલ મીડિયા પર અને કાળબજારમાં કેવી રીતે લીક કરવામાં આવે છે તે બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ ટીઝર સીધું ન્યૂઝ ચેનલોના સ્ટુડિયોમાં પહોંચે છે, જ્યાં ‘BREAKING NEWS’, ‘CBI તપાસ’ અને ‘દેશભરમાં બબાલ’ની પટ્ટીઓ દોડી રહી છે અને માહોલ ખૂબ જ તણાવપૂર્ણ બની જાય છે. ટીઝરમાં કોઈ ડાયલોગ નથી, પરંતુ તેના દ્રશ્યો જ એટલા મજબૂત અને કરૂણ છે જે દેશની શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપેલા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડે છે.
ટીઝરના અંતમાં એક સન્ન કરી દેતો સીન બતાવવામાં આવ્યો છે. એક ખાલી ક્લાસરૂમમાં ટેબલ પર ફોન વાગી રહ્યો છે, જેના પર “Papa Calling” લખેલું દેખાય છે. કેમેરો આગળ વધતાં સામેના અરીસામાં પરીક્ષાના દબાણ અને પેપર લીકના લીધે આત્મહત્યા કરી ચૂકેલા એક વિદ્યાર્થીનો પરછાયો દેખાય છે. વાસ્તવમાં પણ પરીક્ષા રદ થયાના આઘાતમાં દિલ્હી, અંકલેશ્વર-ગુજરાત, યુપી, રાજસ્થાન અને તમિલનાડુ જેવા રાજ્યોમાંથી માત્ર 36 દિવસની અંદર 12 થી વધુ હોનહાર વિદ્યાર્થીઓએ મોતને વહાલું કરી લીધું.