રાજકોટ મહાનગરપાલિકાનો વહિવટ લાંબા સમયથી ખાડે ગયો છે અને શહેરીજનોને પોતાના નાનાં-મોટા કામ માટે વારંવાર ધક્કા ખાવાનો વારો આવે છે. તાજેતરમાં યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં વહિવટી તંત્ર દ્વારા એક એવો ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે મહાનગરપાલિકામાં વર્ગ-1 અને વર્ગ-2ની 50 થી વધુ અતિ મહત્વપૂર્ણ જગ્યાઓ ખાલી પડી છે.
તેમજ કુલ 19 જગ્યાઓ ઉપર હાલ ઇન્ચાર્જ અધિકારીથી ગાડું ગબડાવાઈ રહ્યું છે. વોર્ડ નં.- 4નાં કોર્પોરેટર મનીષાબેન રોજાસરા દ્વારા જનરલ બોર્ડમાં અધિકારીઓની ઘટ અંગે માંગવામાં આવેલી વિગતોના આધારે આ સમગ્ર વાસ્તવિકતા સામે આવી છે. મંજૂર થયેલી જગ્યાઓ અને હાલમાં ભરાયેલી જગ્યાઓના આંકડાઓ જોતા મહાનગરપાલિકાનું વહિવટી માળખું કેટલું ખોખલું થઈ ગયું છે તેનો સ્પષ્ટ ખ્યાલ આવે છે.
10 જગ્યાઓ પર જ કાયમી અધિકારીઓ નિમાયેલા અને 25 જગ્યાઓ ખાલી મહાનગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ, વર્ગ-1 અને વર્ગ-2ની કુલ 184 મંજૂર થયેલી જગ્યાઓમાંથી હાલ માત્ર 134 જગ્યાઓ જ ભરાયેલી છે, જ્યારે 50 જગ્યાઓ ખાલી છે. વર્ગ-1 ની વાત કરવામાં આવે તો કુલ 35 જગ્યાઓ મંજૂર થયેલી છે, જેમાંથી માત્ર 10 જગ્યાઓ પર જ કાયમી અધિકારીઓ નિમાયેલા છે અને 25 જગ્યાઓ ખાલી પડી છે. આવી જ રીતે વર્ગ-2 માં કુલ 149 જગ્યાઓ મંજૂર થયેલી છે, જેમાંથી 124 જગ્યાઓ પર ભરતી થયેલી છે અને 25 જગ્યાઓ ખાલી છે. કાયમી અધિકારીઓની આટલી મોટી સંખ્યામાં અછત હોવાને કારણે સમગ્ર વહિવટ પર તેની વિપરીત અસર પડી રહી છે.