રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નાગરિકોને સમાન અને નિયમિત પાણી પુરવઠો મળી રહે તે માટે હાથ ધરાયેલા ચેકિંગ અભિયાન દરમિયાન વોર્ડ નં. 11 વિસ્તારમાં પાણી ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાણી વિતરણ સમય દરમિયાન ગેરકાયદેસર રીતે મોટર મૂકીને પાણી ખેંચતા 3 આસામીઓ ઝડપાયા હતા. નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી અને સિટી એન્જિનિયર કુંતેશ મહેતાના માર્ગદર્શન હેઠળ મનપાની ટીમે ગીરનાર સોસાયટીમાં કરેલી તપાસમાં ગોવિંદભાઇ મનુભાઇ સબાડ, ગીરીશભાઇ કાલાભાઇ ટાટમીયા અને પ્રફુલભાઇ ગોવિંદભાઇ ભરડવા ગેરરીતિ કરતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
સમગ્ર મામલે જાહેર પાણી વિતરણ વ્યવસ્થામાં રોડાં નાખી અન્ય નાગરિકોના હક્કનું પાણી ખેંચી લેનારા આ ત્રણેય આસામીઓ સામે મનપા દ્વારા કાર્યવાહી કરીને રૂ. 2-2 હજારનો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જોકે મનપા દ્વારા અગાઉ પાણી ચોરી કરનારાઓ સામે કડક પોલીસ ફરિયાદ દાખલ કરવાની વાતો કરવામાં આવી રહી હતી, પરંતુ આ કિસ્સામાં માત્ર રૂ. 2-2 હજાર દંડ વસૂલીને સંતોષ માની લેવાતા પોલીસ ફરિયાદની વાતો પોકળ સાબિત થઈ છે. મનપા તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ અચાનક ચેકિંગ હાથ ધરી પાણી ચોરી અટકાવવાની ચેતવણી આપવામાં આવી છે.