જસદણ નગરપાલિકાના કાગળ પર જ ચાલી રહેલા વિકાસની પોલ વધુ એક વખત જાહેરમાં ખૂલી ગઈ છે. જસદણના અતિ વ્યસ્ત એવા આટકોટ રોડ પર આવેલા ભૂગર્ભ ગટર પમ્પિંગ સ્ટેશનની જાળવણી કરવામાં પાલિકા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે. પમ્પિંગ સ્ટેશન પર જરાપણ મેઇન્ટેનન્સ ન રખાતા અત્યારે ગટરના ગંદા અને પ્રદૂષિત પાણીના ફુવારા વછૂટી રહ્યા છે, જેના કારણે આખો વિસ્તાર નર્કાગારમાં ફેરવાઈ ગયો છે.
આટકોટ રોડ એ જસદણનો મુખ્ય ફોરલેન હાઈવે છે, જ્યાંથી ચોવીસે કલાક હજારો વાહનો અને પ્રવાસીઓ પસાર થાય છે. ગટરના ગંદા પાણી જાહેરમાં ઉડતા હોવાથી અને આસપાસ કચરાના ઢગલા ખડકાતા ભારે દુર્ગંધ ફેલાઈ છે. સ્થાનિક રહીશોનું જીવવું તો હરામ થઈ ગયું છે, પણ સાથે જ અહીંથી પસાર થતા હજારો વાહનચાલકોએ પણ મોઢા પર રૂમાલ બાંધીને નીકળવું પડે છે. અગાઉ પણ સ્થાનિકોએ તંત્રનું ધ્યાન દોર્યું હતું છતાં કોઇ કાર્યવાહી નહીં સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે અને તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. જનતાના ટેક્સના પૈસાનું પાણી ક્યાં થઈ રહ્યું છે તે આ ચિત્ર પરથી સાફ દેખાઈ આવે છે. આંખ આડા કાન કરીને બેઠેલું વહીવટી તંત્ર કોઈ મોટી દુર્ઘટના કે જનઆક્રોશની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
દૂષિત પાણી ફેલાતાં જીવાત અને મચ્છરનો ઉપદ્રવ વધ્યો સ્વિમિંગ પૂલ જેવા આ દ્રશ્યો કોઈ વોટરપાર્કના નથી, પરંતુ જસદણ નગરપાલિકાની અણઆવડતના છે. ચોમાસાની ઋતુ નજીક હોય ત્યારે આવા ગંદા પાણી રસ્તા પર અને આસપાસ ફેલાવાના કારણે મચ્છરો અને જીવાતનો ઉપદ્રવ વધ્યો છે.હજુ તો ચોમાસું બાકી છે ત્યારે ગંભીર રોગચાળો ફેલાય તેવી ભીતિ સેવાઇ રહી છે.