BCCIએ જુલાઈમાં યોજાનાર ઝિમ્બાબ્વે પ્રવાસ માટે 15 સભ્યોની T20 ટીમની જાહેરાત કરી દીધી. T20 વર્લ્ડ કપ 2026ના પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ સંજુ સેમસનને ટીમમાં સ્થાન મળ્યું નથી. બોર્ડે તેમને બહાર રાખવાનું કોઈ કારણ જણાવ્યું નથી. જ્યારે, 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને સતત બીજી સિરીઝ માટે ટીમમાં રાખવામાં આવ્યો છે.
ઇંગ્લેન્ડ પ્રવાસની T20 ટીમની સરખામણીમાં ભારતે 6 ફેરફારો કર્યા છે. રિંકુ સિંહ અને મયંક યાદવની વાપસી થઈ છે, જ્યારે પ્રભસિમરન સિંહ, યશ ઠાકુર, અશોક શર્મા અને હર્ષ દુબેને પ્રથમ વખત T20 ઈન્ટરનેશનલ ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે ઈજાગ્રસ્ત નીતિશ કુમાર રેડ્ડીની જગ્યાએ શિવમ દુબેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
BCCIએ સંજુ સેમસનને ઝિમ્બાબ્વે પ્રવાસની T20 ટીમમાંથી બહાર રાખ્યો છે, પરંતુ તેમને આરામ આપવામાં આવ્યો છે કે ખરાબ ફોર્મના કારણે બહાર કરવામાં આવ્યો છે તે જણાવ્યું નથી. સેમસને તાજેતરમાં આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે સતત ત્રણ ઇનિંગ્સમાં 5, 0 અને 1 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ સામેની બીજી T20માં પણ તેમને પ્લેઇંગ-11માંથી બહાર રાખીને વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી હતી.
જોકે, IPL 2026 પહેલા સેમસને T20 વર્લ્ડ કપમાં સતત ત્રણ અડધી સદી ફટકારી હતી અને ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ પસંદ કરવામાં આવ્યા હતા.