રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે ગુરુવારે (2 જુલાઈ) વહેલી સવારે રોજના સમય મુજબ સામાન્ય કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન સવારે બરાબર 11:30 કલાકે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) રૂમમાં એક એવો ખૌફનાક મેસેજ આવ્યો કે આખું એરપોર્ટ પ્રશાસન ધ્રુજી ઉઠ્યું હતું. મેસેજ હતો કે, “એર ઈન્ડિયાની 65 મુસાફરો સાથેની એક ફ્લાઈટ હાઈજેક થઈ છે.” આ આલાર્મ વાગતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં આવી ગઈ હતી અને રન-વેને તાત્કાલિક સીલ કરી દેવામાં આવ્યો હતો.
બીજી તરફ કમાન્ડોએ પ્લેનની ઘેરાબંધી કરી ત્રણેય આતંકવાદીને આત્મસમર્પણ કરવા મજબૂર કર્યા. આખરે ત્રણેયને હિરાસતમાં લઈએ આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપી દેવાયા. જોકે, આ સમગ્ર ઘટના મોકડ્રીલ હોવાનું જાહેર થતા ઉપસ્થિત સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
ફ્લાઇટ હાઇજેક કરનારા 3 આતંકવાદીએ જેલમાં બંધ પોતાના આતંકી સાથીઓને છોડાવવાની માગ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી સાથે સીધી વાત કરવાની જીદ પકડી હતી. જો તેમની માગ પૂરી ન થાય તો મુસાફરો સહિત આખું પ્લેન બ્લાસ્ટથી ઉડાવી દેવાની ગંભીર ધમકી આપી હતી. આતંકીઓએ પોતાની તાકાત બતાવવા અને દબાણ ઊભું કરવા માટે એક હવાઈ મુસાફરને ઇજા પહોંચાડી પ્લેનની બહાર ધકેલી દીધો હતો, જેને તબીબી ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ કર્યો હતો.