રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલ બાંધકામ સાઇટ પરથી એલ્યુમિનિયમ પ્લેટ્સની ચોરીના કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક સગીર સહિત 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જયારે બાકીના ફરાર 2 આરોપીને ઝડપી પાડવા પોલીસ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 14.54 લાખની એલ્યુમિનિયમ પ્લેટ્સ અને વાહનો મળી 18 લાખનો મુદામાલ કબ્જે કરી રાજકોટના અલગ-અલગ 4 ગુનાનો ભેદ ઉકેલી દીધો છે.
આરોપીઓ દિવસ દરમિયાન બાંધકામ સાઇટ પર રેકી કરતાં અને રાત્રીના સમયે બુકાની બાંધીને પહોંચી બાઇક પર થોડી થોડી પ્લેટના ફેરા કરી આગળ ઉભા રાખેલા રીક્ષા-છોટાહાથીમાં પ્લેટસ મુકી પછી ભાગી જતાં હતાં. ઉલ્લેખનીય છે કે, ભંડારીયાનો ભંગારવાળો આ ચોરાઉ માલ સસ્તામાં ખરીદી કરતો હોવાથી પોલીસે તેને પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ એસીપી ભરત બસિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલ એલ્યુમિનિયમ પ્લેટ બાંધકામ સાઈટ પરથી એલ્યુમિનિયમ પ્લેટ ચોરી થવા અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણ મળી કુલ ચાર અલગ અલગ ફરિયાદ નોંધાઈ હત. જેથી પોલીસે ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સીસ મદદથી તપાસ હાથ ધરી આજ રોજ એક સગીર સહીત રોહિત ઉર્ફે બાવલો વાઘેલા, કલ્પેશ માથાસુરીયા, મનોજ સોલંકી, રાજેશ ઉર્ફે રાજુ કુકડીયા અને કિશન સોલંકીને ઝડપી પાડી ગુનામાં ફરાર બે આરોપી અશ્વિન સાડમીયા અને વિજય જખનીયાની શોધખોળ હાથ ધરી છે.