રાજકોટ જિલ્લાના અતિ ચકચારી અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા (રીબડા)ના ગુજરાત હાઈકોર્ટે રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે. જો કે, ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાની હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા આજીવન કેદની સજા ભોગવતા હોય હાલ તેને જેલમાં જ રહેવું પડશે.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા પોલીસ મથકે મેં, 2025માં રાજદીપસિંહ, અનિરુદ્ધસિંહ અને વધુ બે આરોપીઓ સામે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં તેના ભાઈ મનીષ ખૂંટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આજે ગુજરાત હાઇકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને રેગ્યુલર જામીન આપ્યા છે.
પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ ભેગા મળીને એક સગીરા સાથે દુષ્કર્મનો ખોટો કેસ કરાવીને અમિત ખૂંટને આત્મહત્યા માટે મજબૂર કર્યો હતો. અમિત ખૂંટે ઝાડ પર ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેના ખિસ્સામાંથી 4 પેજની ચિઠ્ઠી મળી આવી હતી. ફરિયાદ મુજબ રાજદીપસિંહ અને અનિરુદ્ધસિહ મૃતકના ગામમાં સસ્તા ભાવે જમીન પડાવી લેતા હોવાની બાબતને લઈને ગઈ વિધાનસભાની ચૂંટણીમાં આરોપીઓ અને મૃતક અમિત ખૂંટ વચ્ચે ઝઘડો થયો હતો. આરોપીઓએ મૃતક ઉપર હુમલો કરેલો, જેને લઈને મૃતકે આરોપીઓ સામે કેસ પણ કરેલો.
ધારાસભ્ય પોપટ સોરઠીયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહની સજા સરકારે માફ કરતા તેની સજા માફી રદ કરવા મૃતકે ગૃહ ખાતામાં અરજી કરેલી, તેનું વેર લેવા આરોપી અનિરુદ્ધસિંહ અને તેના પુત્ર રાજદીપસિંહે બે છોકરીઓને પૈસા આપીને અમિત ખૂંટને હની ટ્રેપમાં ફસાવ્યો હતો. અમિત ખૂંટ સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત ખોટી ફરિયાદ કરાવીને તેને બદનામ કર્યો હતો. તેને અનેક વખત ધમકી મળતા છેવટે તેને આરોપીઓના ત્રાસથી આપઘાત કરી લીધો હતો.