રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. જેમાં દર્દીઓ પીડાથી તડપતા હતા અને ઓર્થોપેડિક ડોક્ટર નાસ્તો કરવામાં વ્યસ્ત હોવાનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે, ઇમરજન્સી વોર્ડમાં એક હૃદયદ્રાવક દૃશ્ય સામે આવ્યું હતું, જેના કારણે હાડકાના ગંભીર ઇજાગ્રસ્ત દર્દીઓ પીડાથી તડપી રહ્યા હતા અને તાત્કાલિક સારવારની રાહ જોઈ રહ્યા હતા. દર્દીઓના સ્વજનોમાં પણ ભારે ચિંતા અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન ફરજ પર હાજર ઓર્થોપેડિક ડોક્ટર દર્દીઓની સારવાર કરવાને બદલે પોતાની કેબિનમાં આરામથી નાસ્તો કરતા જોવા મળ્યા હોવાનો આરોપ લગાવાયો છે.
દર્દીના સ્વજનોએ આ અંગે વારંવાર વિનંતી કરવા છતાં તેમને માત્ર એટલો જ જવાબ મળ્યો કે, થોડીવાર રાહ જુઓ, સાહેબ આવશે. હાલ આ વીડિયોને લઈ ઇમરજન્સી મેનેજમેન્ટ અને જવાબદાર અધિકારીઓની કાર્યશૈલી પર સવાલો ઊભા થયા છે. જોકે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ ટેલિફોનીક વાતચીતમાં સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડિયાએ જણાવ્યું હતું કે, આપના માધ્યમથી આ બાબત મારી સામે આવી છે. આ વીડિયો ક્યારનો છે અને આખી હકીકત શું હતી તે સહિતનાં મુદ્દે ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. અને જો કોઈ ડોક્ટરની બેદરકારી સામે આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.