જસદણના છત્રી બજારમાં આવેલી થોળેશ્વર શેરીમાં છેલ્લા બે અઠવાડિયાથી હડકાયા શ્વાનોનો આતંક હતો. સ્થાનિક રહીશોની અનેક રજૂઆતો છતાં કુંભકર્ણની નિદ્રામાં પોઢેલા નગરપાલિકા તંત્રના પેટનું પાણી હલતું નહોતું. આ નીંભરતાના કારણે એક યુવાન પર હિંસક હુમલો થયો અને શ્વાને તેને 10 બટકાં ભરી લોહીલુહાણ કરી નાખ્યો હતો.
આ ગંભીર દુર્ઘટના અને તંત્રની લાપરવાહી સામે દિવ્ય ભાસ્કરે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. આ અહેવાલની જબરી અસર જોવા મળી હતી અને પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને 15 દિવસથી રજૂઆતોને કચરાટોપલીમાં નાખતું તંત્ર તાબડતોબ શ્વાન પકડવાની જાળી અને પીંજરું લઈને થોળેશ્વર શેરીમાં દોડી ગયું હતું.
પાલિકાની ટીમે કલાકોની જહેમત બાદ વિસ્તારમાં આતંક મચાવતા 2 થી 3 હિંસક શ્વાનને ઝડપી લીધા હતા અને તેમને પાંજરે પૂરી અન્યત્ર ખસેડ્યા હતા.
બાળકો હવે મુક્તપણે રમી શકશે લાંબા સમયથી હડકાયા શ્વાનોના ડરથી થોળેશ્વર શેરીના માસૂમ બાળકો ઘરમાં કેદ થઈ ગયા હતા અને વાલીઓ પણ ફફડાટમાં જીવતા હતા. ત્યારે પાલિકા દ્વારા શ્વાનોને પકડી લેવામાં આવતા સમગ્ર વિસ્તારના રહીશોએ મોટો હાશકારો અનુભવ્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, જો દિવ્ય ભાસ્કરે અમારા પ્રશ્નને વાચા ન આપી હોત તો તંત્ર હજુ પણ ઊંઘતું રહ્યું હોત.