ભાદરમાં ઓગસ્ટ સુધીનું જ પાણી બચ્યું, 34 ફૂટની ક્ષમતાના ડેમની સપાટી 14.93 ફૂટ પર પહોંચી ગઇ

જેતપુર સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ગણાતો ભાદર ડેમ હાલ ચિંતાજનક સપાટીએ પહોંચી રહ્યો છે. જૂન મહિનો હવે પૂરો થવા આવ્યો છે, તેમ છતાં વરસાદ પડ્યો જ નથી. જૂનમાં સામાન્ય રીતે વાવણી પૂરી થઈ જતી હોય છે, જોરશોરથી ચાલતી હોય છે. પરંતુ આ વર્ષે જૂન મહિનો કોરોધાકોર પસાર થતાં ખેડૂતોના મોં પર ચિંતાની લકીરો છવાઇ ગઇ છે.

વરસાદ ન હોવાને કારણે હજારો હેક્ટર જમીનમાં હજુ સુધી વાવણી થઈ શકી નથી. જે ખેડૂતોએ કૂવા, બોર, મોંઘા ભાવના ટેન્કરોના પાણીથી આગોતરૂ વાવેતર (કપાસ, મગફળી વગેરે) કરી દીધું હતું, તે પાક પાણી વિના સુકાઈ રહ્યો છે. જો આગામી થોડા દિવસોમાં વરસાદ નહીં પડે, તો ખેતરોમાં નાખેલું બિયારણ જમીનમાં જ બળી જશે, જેથી ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિનો સામનો કરવો પડશે, બમણો આર્થિક ફટકો પડશે. વરસાદના અભાવે કૂવા-બોરના તળ પણ ઊંડા ઉતરી ગયા છે, જેના કારણે સિંચાઈ માટે સ્થાનિક સ્તરે પણ પાણી બચ્યું નથી.

હાલ તો જેતપુરવાસીઓ અને ખેડૂતો એકમાત્ર કુદરતના ભરોસે છે. જો આગામી સપ્તાહમાં મેઘરાજા મન મૂકીને નહીં વરસે, તો પીવાના પાણી, ખેતીના પાક બંને મોરચે સ્થિતિ ગંભીર બની શકે છે.

ડેમમાં 22 લાખની જનતાને બે મહિના ચાલે તેટલું જ 1022 એમસીએફટી પાણી વધ્યું‎ સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી વિશાળ એવા ભાદર ડેમની કુલ સપાટી 34 ફૂટમાંથી હાલની સપાટી 14.93 ફૂટની છે. એટલે કે ડેમની પાણીની કુલ સંગ્રહ શક્તિ 6460 એમસીએફટી સંગ્રહ શક્તિમાંથી અત્યારે 1022 એમસીએફટી પાણીનો જથ્થો ડેમમાં રહ્યો છે.

જેતપુર, રાજકોટ, અમરનગર જૂથ યોજના, ખોડલધાલ, વીરપુર સહિતની 22 લાખ પ્રજાને પીવાનું પાણી પૂરું પાડે છે. તેમાં 31 ઓગષ્ટ સુધી પીવાના પાણીનો હયાત જથ્થો છે. જો ઓગસ્ટના અંત સુધીમાં ભાદર ડેમના કેચમેન્ટ એરિયામાં સારો વરસાદ નહીં થાય અને નવા પાણીની આવક નહીં થાય, તો સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ જેતપુર સહિત ભાદર ડેમનું પાણી મેળવતા અન્ય ગામોમાં પાણીની આકરી કટોકટી સર્જાઈ શકે છે. – એન. બી. સિંઘલ, ઇજનેર, ભાદર ડેમ સાઇટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *