માછલાંને બચાવવા ખેડૂતોએ પાકનું પાણી નદીમાં વહાવી દીધું

ચોમાસું મોડું થતાં અને આકરા તાપના કારણે જસદણના ચિતલીયા ગામે આવેલી બુઢણપરી નદી સાવ સુકાઈ ગઈ હતી. નદીમાં પાણી ખૂટી જતાં સેંકડો માછલાં પાણી વિના તરફડી રહ્યાં હતાં અને તેમનું જીવન જોખમમાં મુકાયું હતું.

આ કપરી પરિસ્થિતિ પર જ્યારે સ્થાનિક જીવદયા પ્રેમી નાગરિકોની નજર પડી, ત્યારે તેમણે તુરંત જ ચિતલીયા ગામના સરપંચ અશોકભાઈ બથવારને આ અંગે જાણ કરી હતી. અને સરપંચે વિલંબ કર્યા વિના તાત્કાલિક પગલાં લીધાં હતાં.

તેમણે નદીની નજીક જ વાડી ધરાવતા ખેડૂત ભાઈઓ મુંધવા રઘુભાઈ હકાભાઇ તથા મુંધવા ગોરાભાઈ હકાભાઇનો સંપર્ક કર્યો હતો. સરપંચે ખેડૂતોને વિનંતી કરી કે નદીના અબોલ જીવોને બચાવવા માટે અત્યારે પાણીની તાતી જરૂરિયાત છે, શું કરી શકાય?! બકાલું (શાકભાજી) નહીં થાય તો ચાલશે, પણ જીવ બચવા જોઈએ સરપંચની વાત સાંભળતા જ બંને ખેડૂત ભાઈઓએ ઉદારતા દાખવી હતી અને તેમની વાડીમાં વાવેલા બકાલા (શાકભાજી)ના પાકને પાણીની સખત જરૂર હોવા છતાં, તેમણે પોતાના આર્થિક નફા-નુકસાનનો વિચાર કર્યા વગર મોટું દિલ રાખ્યું હતું.

ખેડૂતોએ જણાવ્યું કે, અમારું બકાલું સુકાઈ જશે તો ચાલશે, અમને આર્થિક નુકસાન મંજૂર છે, પણ અમારી નજર સામે આ અબોલ માછલાં પાણી વિના તરફડીને મરી જાય તે સહન નહીં થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *