મહેસાણા રેલવે સ્ટેશન પર ઓનડ્યુટી મહિલા TTE (ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર) દ્વારા કાયદેસરની ટિકિટ હોવા છતાં નાણાંની માંગણી કરી ઉગ્ર બોલાચાલી, ઝપાઝપી અને મારપીટ કરી હોવાનો એક પરિવારે આક્ષેપ કર્યો છે. આ મામલે વડોદરાના કલાલી વિસ્તારમાં રહેતા કાજલબેન પ્રેમકુમાર રાયે મહેસાણા રેલવે પોલીસ સ્ટેશનમાં મહિલા TTE લક્ષ્મીબેન જનાર્દન સિંગ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અરજી કરી છે. રેલવે સ્ટેશન પર મહિલા TTE અને મહિલા મુસાફર વચ્ચે થયેલી મારામારીનો વીડિયો પણ સામે આવ્યો છે. આ બાબતે દિવ્ય ભાસ્કર દ્વારા તપાસ અધિકારી વિસાભાઈનો સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડવા નું ટાળ્યું હતું.
ઘટનાની વિગત મુજબ, ફરિયાદી કાજલબેન, તેમના પતિ પ્રેમકુમાર અને 5 વર્ષ અને દોઢ વર્ષના બે બાળક સાથે ગતરોજ (27 જૂન) વડોદરાથી બાંદ્રા-ભગત કી કોઠી એક્સપ્રેસ ટ્રેનમાં મહેસાણા આવવા નીકળ્યા હતા. તેમની પાસે કાયદેસરની ઓનલાઇન કન્ફર્મ એસી અને સ્લીપર ટિકિટ તેમજ પાંચ વર્ષના બાળકની જનરલ ટિકિટ પણ હતી.
ટ્રેન રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ મહેસાણા પ્લેટફોર્મ નંબર 4 પર આવી પહોંચતા આખો પરિવાર સામાન સાથે ઓવરબ્રિજ પરથી બહાર નીકળી રહ્યો હતો. તે સમયે ત્યાં ફરજ પર તૈનાત મહિલા TTE લક્ષ્મીબેને તેમની પાસે ટિકિટ માંગતા ફરિયાદીએ તમામ ટિકિટો બતાવી હતી. જોકે, મહિલા TTEએ બાળકની જનરલ ટિકિટ ફરિયાદીના પતિના હાથમાંથી ઝૂંટવી લીધી હતી અને પરત આપવાનો ઇનકાર કરી પૈસાની માંગણી કરી હતી. મુસાફર પરિવારે કાયદેસર ટિકિટ હોવાથી પૈસા આપવાનો ઇનકાર કરતા જ મહિલા TTE ઉશ્કેરાઈ ગઈ હતી અને રકઝક દરમિયાન પાંચ વર્ષના માસૂમ બાળકને જોરદાર ધક્કો મારી નીચે પાડી દીધો હતો.