ગોંડલ યાર્ડમાં મગફળીની જંગી આવક ઠલવાઇ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક નોંધાઈ છે. ગત મોડી રાત્રીથી વહેલી સવાર સુધીમાં યાર્ડમાં 1 લાખથી વધુ ગુણી મગફળી ઠલવાઈ હતી. મગફળીની ભારે આવકને પગલે યાર્ડની બહાર બંને તરફ આશરે 1,300 થી 1,400 જેટલા વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ હતી.

જો કે, હરાજીમાં મગફળીના અપેક્ષા મુજબના ભાવ ન મળતા ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. જગતાતે નિરાશાના સૂરે જણાવ્યું હતું કે એક તો વરસ નબળું ગયું, ચોમાસું ધાર્યું ન વરસ્યું , માંડ કરીને મગફળી ઉગાડી, હવે પુરતા ભાવ ન મળતાં આખું વરસ કેમ કાઢીશું એ વ્યથા ખેડૂતોએ ઠલવી હતી. નોંધનીય છે કે ગોંડલમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતો પોત પોતાની જણસી લઇને આવે છે. ગુરુવારે જામકંડોરણા, થોરડી સહિતના ગામના ખેડૂતોએ એક સૂરે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

ગોંડલ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી તરુણભાઈ પાંચાણીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, મોડી રાતથી વહેલી સવાર દરમિયાન યાર્ડમાં 1 લાખથી વધુ ગુણી મગફળીની આવક થઈ છે.

હરાજીમાં ખેડૂતોને 20 કિલો મગફળીના 1,000 થી લઈને 1,550 સુધીના ભાવ મળ્યા છે. યાર્ડમાંથી દરરોજ 25 થી 30 હજાર ગુણી મગફળીની જાવક (નિકાસ) થાય છે. હાલ ભારે આવક હોવાથી સત્તાધીશો દ્વારા અન્ય કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી મગફળીની નવી આવક સદંતર બંધ કરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *