સલમાનની ‘માતૃભૂમિ’ને અંતે સેન્સર બોર્ડની મંજૂરી મળી ખરી

સલમાન ખાનની લાંબા સમયથી અટવાયેલી ફિલ્મ ‘માતૃભૂમિ: મે વૉર રેસ્ટ ઇન પીસ’ને CBFC (સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન) તરફથી મંજૂરી મળી ગઈ છે. ફિલ્મને UA 16+ રેટિંગ આપવામાં આવ્યું છે.

સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનની મુંબઈ રિજનલ ઑફિસે બુધવારે સર્ટિફિકેટ જારી કર્યું. ફિલ્મ 4 ડિસેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ફિલ્મમાં સલમાન સાથે ચિત્રાંગદા સિંહ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું ડિરેક્શન અપૂર્વ લાખિયાએ કર્યું છે. તેની વાર્તા દેશની રક્ષા અને પરિવારને સંભાળવા વચ્ચે ઝઝૂમતા એક સૈનિકની છે.

CBFCની વેબસાઇટ અનુસાર, ‘માતૃભૂમિ’નો સમયગાળો 2 કલાક 34 મિનિટ અને 12 સેકન્ડ છે. ફિલ્મને હિન્દી ભાષાની કેટેગરીમાં સર્ટિફિકેટ મળ્યું છે.

ફિલ્મની જાહેરાત શરૂઆતમાં ‘બેટલ ઑફ ગલવાન’ નામથી કરવામાં આવી હતી. ફિલ્મમાં સલમાન એક સૈન્ય અધિકારીની ભૂમિકામાં છે. શરૂઆતમાં તેના પાત્રને કર્નલ બી. સંતોષ બાબુથી પ્રેરિત હોવાનું જણાવવામાં આવ્યું હતું. ભારતીય સેનાની 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ બિક્કુમલ્લા સંતોષ બાબુ 15 જૂન 2020ના રોજ પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણ દરમિયાન શહીદ થયા હતા.

જોકે, સલમાને 6 નવેમ્બરે ટ્રેલર લૉન્ચ દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે, આ ફિલ્મ કોઈ એક સૈનિકની બાયોપિક નથી. તેનું કહેવું હતું કે, ફિલ્મ યુદ્ધ દરમિયાન સૈનિકો અને તેમના પરિવારોની મુશ્કેલીઓને દર્શાવે છે.

માર્ચ 2026માં નિર્માતાઓએ ફિલ્મનું નામ બદલીને ‘માતૃભૂમિઃ મે વૉર રેસ્ટ ઇન પીસ’ કરી દીધું. આ બદલાવ બાદ ફિલ્મના નામને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *