વિંછીયા તાલુકાના સોમપીપળીયા, સનાળા અને મોઢુકા ગામે જિલ્લા કલેક્ટર ડૉ. ઓમપ્રકાશના અધ્યક્ષસ્થાને પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો હતો. કલેક્ટરે ધોરણ-1, 9, આંગણવાડી અને બાલવાટિકાના કુલ 262 ભૂલકાંઓને શૈક્ષણિક કીટ આપીને શાળામાં આવકાર્યા હતા.
આ તકે ડ્રોપ આઉટ થયેલા 11 બાળકોનું પુનઃનામાંકન પણ કરાયું હતું. આ તકે કલેક્ટરે જણાવ્યું હતું કે, બાળકના જીવન ઘડતર માટે વાલીઓ અને શિક્ષકો વચ્ચે સમન્વય જરૂરી છે. બાળકો નકલ કરીને શીખતા હોવાથી વાલીઓએ વ્યસન અને અપશબ્દોથી દૂર રહેવું જોઈએ.
આ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓ અને ખેલ મહાકુંભના વિજેતાઓને શિલ્ડ-પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. સૌએ માર્ગ સલામતીના શપથ લીધા હતા અને શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી રાહુલકુમાર ખાંભરા, ટીડીઓ બી. જે. દવે સહિતના અધિકારીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.