લખનઉના અલીગંજમાં ખાનગી કોચિંગ સેન્ટરમાં આગ લાગવાથી 14 બાળકોના મોતની ઘટના બાદ રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર બ્રિગેડનું તંત્ર ફરી એક વખત હરકતમાં આવ્યું છે. આજે 23 જૂનના શહેરના 18 વોર્ડના તમામ કોચિંગ ક્લાસ પર ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
બેડીપરા ફાયર સ્ટેશનના સ્ટેશન ફાયર ઓફિસર ધીરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બેડીપરા બેડીપરા ફાયર સ્ટેશનમાં વોર્ડ નંબર 5,6 અને 15 આવે છે. આખા રાજકોટમાં 18 વોર્ડ છે ત્યારે દરેક વોર્ડમાં ટ્યુશન ક્લાસમાં ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમે ફાયરના સાધનો રાખવા માટે મોટાભાગના ટ્યુશન ક્લાસના સંચાલકોને નોટિસ આપી છે. પરંતુ નોટિસ આપ્યા બાદ પણ કાર્યવાહી નહીં થાય તો અંતે સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ જિલ્લામાં ચોમાસા પૂર્વે સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો દૂર કરવા જિલ્લા વહીવટી તંત્ર વધુ સક્રિય બન્યું છે. જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના આદેશ મુજબ રાજકોટ શહેર દક્ષિણ વિસ્તારમાં મવડી ખાતે સરકારી જમીન પર ઉભા કરાયેલા 55 જેટલા કાચા-પાકા ઝૂંપડાઓ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રૂ.9 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ મળતી માહિતી મુજબ મવડીના સર્વે નં. 194 પૈકી ટી.પી. 28 એફ.પી. 48/1 વિસ્તારમાં આવેલી સરકારી પડતર જમીન પર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું. બુલડોઝર દ્વારા દબાણો દૂર કરી અંદાજે 4,500 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી, જેની બજાર કિંમત આશરે રૂ. 8થી 9 કરોડ હોવાનું જણાવાયું છે.