પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે ઈથેનોલ ફ્યુઅલને લઈને સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી અફવાઓને નકારી કાઢી છે. મંત્રાલયે મંગળવારે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ઈથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત છે અને તેનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં વાહનના ફ્યુઅલ ટેન્ક પાસે કીડીઓ દેખાડવામાં આવી હતી. આ અંગે ભારત પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ઇંધણ ગ્રેડ ઈથેનોલમાં કોઈ શર્કરા (ખાંડ) હોતી નથી.
મંત્રાલય અનુસાર, કેટલાક લોકો જૂના વીડિયો અને તસવીરોને સોશિયલ મીડિયા પર ફરીથી શેર કરીને જનતામાં ભ્રમ ફેલાવી રહ્યા છે. સરકારે જણાવ્યું હતું કે E20 પેટ્રોલ નાખ્યા પછી એન્જિન ખરાબ થવાની કોઈ રિપોર્ટ હજુ સુધી સામે આવી નથી.
કેન્દ્ર સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે E20 પેટ્રોલ (20% ઇથેનોલ ફ્લેક્સ ઇંધણ) ના ઉપયોગથી વાહન વીમા (ઇન્સ્યોરન્સ)ની માન્યતા પર કોઈ અસર થતી નથી. સરકારે કહ્યું કે આ પ્રકારની આશંકાઓ ખોટી છે અને સંબંધિત પક્ષો સાથે ચર્ચા કર્યા પછી તેને નકારી કાઢવામાં આવી છે.
સરકાર અનુસાર, અમેરિકા, બ્રાઝિલ અને જાપાન જેવા દેશોમાં ઇથેનોલ મિશ્રિત ઇંધણનો સફળતાપૂર્વક ઉપયોગ થઈ રહ્યો છે. બ્રાઝિલમાં તો E27 લાંબા સમયથી ઇંધણ તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે.