રાજકોટ રેન્જ પોલીસે દારૂબંધી વિરોધી ઝુંબેશમાં વધુ એક મોટી સફળતા મેળવી છે. જેતપુર વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂ. 4.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસ દરમિયાન નામચીન બુટલેગર અનિલ ઉર્ફે ડબલી મનસુખભાઈ બારૈયાનું નામ પણ સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ રેન્જના આઈજી નિલિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર દારૂબંધી અને જુગારની પ્રવૃત્તિઓ સામે સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપુર્વ પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન સ્ટાફના દિવ્યેશભાઈ સુવા, શિવરાજસિંહ ઝાલા અને નિકુલભાઈ પંપાણીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પી.એસ.આઈ. બી.સી. મીયાત્રા તેમજ પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ જાડેજા સહિતની ટીમ દ્વારા જેતપુરના ફૂલવાડી ઢોરા પાસે રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન હોન્ડા અમેઝ કારમાં દારૂની હેરાફેરી કરતા વસીમભાઈ ઇકબાલભાઈ સોલંકી અને વિશેષ ભુપેશભાઈ પરમારને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે કારની તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1,200 બોટલ મળી આવી હતી, જેની કિંમત અંદાજે રૂ. 1.50 લાખ થાય છે. ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી હોન્ડા અમેઝ કાર, જેની કિંમત રૂ. 3 લાખ તથા બે મોબાઇલ ફોન કિંમત રૂ. 15 હજાર સહિત કુલ રૂ. 4.65 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.