જેતપુર પાસે ઇક્કો કારની અડફેટે અજાણ્યા વ્યક્તિનું મોત

રાજકોટ-સોમનાથ હાઇવે પર જેતપુર નજીક જેતલસર રેલવે ઓવરબ્રિજ પર એક અકસ્માત સર્જાયો હતો. ઇક્કો કારની અડફેટે આવતા એક અજાણ્યા વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેતપુર તાલુકા પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે અને મૃતકની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.

પ્રાથમિક માહિતી અનુસાર, આ અજાણ્યો વ્યક્તિ જેતલસર રેલવે ઓવરબ્રિજ પરથી પગપાળા પસાર થઈ રહ્યો હતો. તે સમયે એક ઇક્કો કારે તેને ટક્કર મારી હતી, જેના કારણે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ જેતપુર તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોલીસે અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *